SHE ટીમના મહિલા સ્ટાફને ધમકી આપનારને પોલીસે સબક ન શીખવ્યો
પોલીસને ધમકાવવાના કેસના આરોપીઓનું રી-કન્સ્ટ્રક્શન ન કર્યું!
માથાભારે ગુનેગારોનો લોકોમાં ભય ન રહે તે માટે કેસના તપાસની કામગીરીમાં પોલીસ આરોપીઆને સાથે રાખીને રી-કન્સ્ટ્રક્શન કરે છે
અમદાવાદ,બુધવાર
આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં બે દિવસ પહેલા સાંજના સમયે મહિલા પોલીસની સી ટીમના સભ્યોની ગાડીને ઓવરટેક કરવાના મામલે ચાર માથાભારે ગુંડાઓએ જાહેરમાં ધમકી આપીને ભયનો માહોલ સર્જયો હતો. આ કેસમાં મહિલા એલઆરડી સ્ટાફે પોલીસ કંટ્રોલ રૂમની મદદ લઇને આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી કરી હતી. ત્યારે મહિલા પોલીસ સ્ટાફને જ જાહેરમાં ધમકી આપનાર આરોપીઓની સામે આકરી કાર્યવાહી કરવાને બદલે આનંદનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે તેમને છાવર્યા હોય તેમ કેસની તપાસની કામગીરીના ભાગરૂપે રી-કન્ટ્રક્શન પણ યોગ્ય રીતે નહી કરીને ખુબ પોલીસના સ્ટાફનું મનોબળ તોડવાનું કામ કર્યું હોવાની સ્થાનિક સ્ટાફ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં માથાભારે આરોપીઓનો ભય સ્થાનિક લોકોમાં ન રહે તે માટે પોલીસ દ્વારા રી-કન્ટ્રક્શનની કામગીરી કરવામાં આવે છે. પરતુ, આ કેસમાં આનંદનગર પોલીસની આ મામલે નકારાત્મક ભૂમિકા સામે આવી છે. આનંદનગર પોલીસ સ્ટેશનની સી ટીમમાં ફરજ બજાવતા એલઆરડી વર્ષાબેન, એલઆરડી વનિતાબેન અને એલઆરડી વૈશાલીબેન સોમવારે સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં નિર્ભયા પ્રોજેક્ટના કેમેરા તપાસવાની કામગીરીમાં હતા ત્યારે તેમની સરકારી વાનની પાછળ આવી રહેલી ઇકો કારના ચાલકે દાદાગીરી કરીને ઓવરટેક કરવા માટે સતત હોર્ન વગાડ્યા બાદ સરકારી વાનને ઓવરટેક કરીને આંતરીને ઉભી રાખીને મહિલા પોલીસ સ્ટાફને ધમકી આપી હતી. આ કેસમાં આનંદનગર પોલીસે ગુનો નોંધીને અભિષેક યાદવ, અર્જુન યાદવ, ંસંદીપ સેન અને સુનિલ યાદવની ધરપકડ કરી હતી. પરંતુ, આ કેસમાં આરોપીઓને સબક શીખવવા માટે પોલીસે તપાસના ભાગરૂપે આરોપીને ઘટના સ્થળ પર લઇ જઇને રી-કન્સ્ટ્રક્શન કરવાની કામગીરી યોગ્ય રીતે કરી નહી કરીને આરોપીઓને પોલીસને ધમકી આપવાના ગંભીર ગુનામાં છાવર્યા હોવાની ચર્ચા આનંદનગર પોલીસ સ્ટેશનના સ્ટાફમાં જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસ જ્યારે ગંભીર ગુનાના આરોપીઓ સામે કાર્યવાહી કરે છે. ત્યારે તે કામગીરીની પ્રેસનોટ આરોપીઓના નામ અને ગુનાહિત ઇતિહાસ સાથે આપે છે. પરંતુ, મહિલા એલઆરડી સ્ટાફને ધમકી આપનાર ચારેય માથાભારે તત્વોની ધરપકડ કર્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ભારાઇએ આરોપીઓની વિગતોથી માંડીને તેમના ફોટોગ્રાફ્સ પણ રીલીઝ કરવામાં પણ શંકાસ્પદ ભૂમિકા ભજવી હતી. ત્યારે ડીસીપી ઝોન-૭ની હદમાં આવતા તમામ પોલીસ અધિકારીઓ તેમના ઉચ્ચ અધિકારીઓની સુચના મુજબ સારી કામગીરી દર્શાવે છે. પરંતુ, આનંદનગર પોલીસ સ્ટેશનની આરોપીઓને પકડવાની કામગીરી સાર્વજનિક કરવામાં આવી નહોતી. આ પ્રકારની કામગીરીથી પોલીસના મનોબળ પર વિપરિત અસર પડે છે.