શહેરને વધુ સ્વચ્છ બનાવવા કવાયત , સોસાયટીની બહાર કચરો આવે તો વહીવટી ચાર્જ વસૂલ કરવા સુચના
ગાર્બેજ વલ્નરેબલપોઈન્ટ ઉપર કચરો નાંખનારા સામે કાર્યવાહી કરવા કમિશનરનો આદેશ
અમદાવાદ,મંગળવાર,13 ફેબ્રુ,2024
અમદાવાદને વધુ સ્વચ્છ શહેર બનાવવા મ્યુનિ.તંત્ર દ્વારા
કવાયત શરુ કરવામાં આવી છે.શહેરમાં આવેલી સોસાયટીઓની બહાર કચરો જોવા મળે તો સોસાયટી
પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરવા તથા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ ઉપર કચરો નાંખનારા
સામે પણ કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે.
શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર
એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં મ્યુનિ.ના વિવિધ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં
વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.કમિશનરે ધુમ્રપાન પ્રતિબંધના અભિયાનને વધુમા વધુ
લોકો સુધી પહોંચાડવાની સાથે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી સોસાયટીઓની બહાર કચરો
આવતો હોય તો સોસાયટી પાસેથી વહીવટી ચાર્જ વસૂલવા બેઠકમાં અધિકારીઓને આદેશ આપ્યો
હતો.એક સમયે શહેરમાં અનેક સ્થળે કચરો નાંખવા સિલ્વર ટ્રોલી મુકવામાં આવી
હતી.બાદમાં કોર્ટના આદેશ બાદ મોટાભાગના સ્થળેથી સિલ્વર ટ્રોલી મ્યુનિ.તંત્ર દ્વારા
ઉપાડી લેવામાં આવી છે.હાલમા શહેરમાં અંદાજે વીસ જેટલા સ્પોટ ગાર્બેજ વલ્નરેબલ
પોઈન્ટ છે.આ સ્પોટ ઉપર પણ જો કોઈ કચરો નાંખતા હોય તો તેમની સામે કાર્યવાહી કરવા
મ્યુનિ.કમિશનરે બેઠકમાં આદેશ કર્યો હતો.