અમદાવાદના વાડજમાં ઢોર પકડવા આવેલી ટીમ સાથેની માથાકૂટમાં માલધારી વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત

AMCની પશ્ચિમ ઝોન કચેરીએ માલધારી સામજના આગેવાનો સહિતના લોકોએ પહોંચીને અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા માંગ

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
અમદાવાદના વાડજમાં ઢોર પકડવા આવેલી ટીમ સાથેની માથાકૂટમાં માલધારી વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત 1 - image



અમદાવાદઃ શહેરમાં ઢોર પકડવા આવેલી ટીમ સાથે માલધારીઓની માથાકૂટ થઈ હતી. જેમાં માલધારી સમાજના એક વૃદ્ધ વ્યક્તિને હાર્ટ એટેક આવતાં મોત થયું છે. હાલમાં મૃતક વૃદ્ધનો મૃતદેહ લઈને તેમનો પરિવાર AMCની પશ્ચિમ ઝોન કચેરીએ પહોંચ્યો છે. તેમની સાથે માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા છે. મામલો વધારે બીચકે નહીં તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પહોંચી ગયાં છે. માલધારી સમાજના આગેવાનોએ જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે. 

હૃદય રોગનો હુમલો આવતા મોત નીપજ્યું

પ્રાપ્ત વિગતો પ્રમાણે રખડતા ઢોરની કાર્યવાહીને લઈને ઢોર અંકુશ ટીમ દ્વારા માલધારી સોસાયટી નવા વાડજમાં જઈ ઢોર પકડવાની કામગીરી દરમિયાન ઘર્ષણ દરમિયાન 65 વર્ષના વૃદ્ધ ઝામા ભાઈ રબારીનું હ્રદય રોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત પ્રત્યક્ષ દર્શીઓ દ્વારા એવો આક્ષેપ કરાયો છે કે સમગ્ર ઘટનામાં ઘર્ષણ દરમિયાન વૃદ્ધ વ્યક્તિને લાકડી દ્વારા માર મારતા હૃદય રોગનો હુમલો આવતા મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈને માલધારી સમાજમાં આક્રોશ ફેલાયો છે. AMCની પશ્ચિમ ઝોન કચેરીએ પહોંચેલા માલધારીઓએ ન્યાય નહી મળે ત્યાં સુધી સ્થળ નહીં છોડવાની ચીમકી ઉચ્ચારી છે. 

ઢોર પકડવા માટેની ડ્રાઈવ યોજવામાં આવી

તે ઉપરાંત ઢોર પાર્ટીમાં સામેલ જવાબદાર અધિકારીઓ પર પોલીસ ફરિયાદ કરવાની પણ માંગ કરાઈ છે. આ ઘટનાને લઈને AMCની પશ્ચિમ ઝોન કચેરીએ માલધારી મહા પંચાયતના આગેવાન નાગજીભાઈ દેસાઈ વિરમભાઇ દેસાઈ સહિતના આગેવાનો હાજર થઈ ગયાં છે. તે ઉપરાંત DCP લવિના સિંહા , DCP બળદેવ દેસાઈ  સહિતના પોલીસ અધિકારીઓ પણ પશ્ચિમ ઝોન કચેરીએ હાજર થઈ ગયાં છે. આજે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઢોર પકડવા માટેની ડ્રાઈવ યોજવામાં આવી હતી 

AMCએ પ્રેસનોટ જાહેર કરીને હાથ અધ્ધર કર્યા

આ મુદ્દે અમદાવાદ મહાનગરપાલિકાએ હાથ અધ્ધર કરી દીધાં છે. મનપાએ પ્રેસનોટ રિલિઝ કરી સ્પષ્ટતા કરી છે કે, માલધારી સોસાયટી, વાડજ વિસ્તારમાં રસ્તા, ફુટપાથ, અવર જવરની કોમન જગ્યામાં ખીલા, ખૂંટા, દોરડા બાંધીને પશુઓ રાખીને ન્યુસન્સ, ગંદકી, ટ્રાફિક અડચણ, નાગરિકોની અવર જવરમાં મુશકેલી ઉભી કર્તા પશુઓ પકડવાની કામગીરીઓ કરાયેલ છે. આ વિસ્તારમાં એક વડીલનું હાર્ટ એકેટના કારણે અવસાન થયાનો દુઃખદ બનાવ બનેલ છે.જેને રખડતા પશુ પકડવાની કામગીરી સાથે લાગતી વળગતી બાબત નથી.


Google NewsGoogle News