બાર વર્ષના સમયમાં થયેલા ખર્ચનો હિસાબ મંગાયો , વી.એસ.હોસ્પિટલમાં દર્દી ઘટયા છતાં રુપિયા ૯૧૩ કરોડનો ખર્ચ કરાયો
આટલી જંગી રકમમાંથી તો એસ.વી.પી.હોસ્પિટલ જેવી નવી હોસ્પિટલ બનાવી શકાઈ હોત, વિપક્ષે કરેલો બોર્ડ બેઠકમાં આક્ષેપ
અમદાવાદ,ગુરુવાર,15 ફેબ્રુ,2024
અમદાવાદ મ્યુનિ.સંચાલિત વી.એસ.હોસ્પિટલ માટે છેલ્લા બાર
વર્ષના સમયમાં સત્તાધારી પક્ષ તરફથી કુલ રુપિયા ૨૧૬૦.૫૨ કરોડનું બજેટ મંજૂર કરાયુ
હતુ.જંગી રકમનુ બજેટ મંજૂર કરવા સામે દર્દીઓની સંખ્યા ઘટી.સેવાઓ ઘટી છતાં રુપિયા
૯૧૩ કરોડનો ખર્ચ કયાં અને કેવી રીતે કરવામાં આવ્યો એ અંગે વિપક્ષ તરફથી હિસાબ
માંગવામાં આવતા સત્તાધારી પક્ષ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો.વિપક્ષનેતાએ આક્ષેપ કરતા
કહયુ,હોસ્પિટલના
જર્જરીત બિલ્ડિંગનુ સમારકામ કરાયુ નથી કે હોસ્પિટલનુ નવુ બિલ્ડિંગ પણ બનાવાયુ
નથી.આમ છતાં આટલી મોટી રકમમાંથી તો એસ.વી.પી.હોસ્પિટલ જેવી નવી હોસ્પિટલ બની ગઈ
હોત. આજે વી.એસ.હોસ્પિટલ એક ભૂતિયા હોસ્પિટલ બની ગઈ છે.
અમદાવાદ મ્યુનિ.ના જનરલ બજેટ સહિત સંલગ્ન સંસ્થાઓ
મ્યુનિ.સ્કૂલ બોર્ડ, મા.જે.પુસ્તકાલય, વી.એસ.હોસ્પિટલ
અને એ.એમ.ટી.એસ.ના વાર્ષિક બજેટ મંજૂર કરવા બે દિવસની બેઠકનો આરંભ થયો હતો.વી.એસ.હોસ્પિટલના
બજેટની દરખાસ્ત ઉપર સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન બોલી રહયા હતા એ સમયે વિપક્ષનેતા
શહેજાદખાન પઠાણે વી.એસ.હોસ્પિટલની વાહવાહી કરવાના બદલે વાસ્તવિક બાબત સ્વીકારવા
રજૂઆત કરી હતી.વિપક્ષનેતાએ કહયુ,વર્ષ-૨૦૧૧-૧૨થી
વર્ષ-૨૦૨૪-૨૫ સુધીના વર્ષમાં વી.એસ.હોસ્પિટલ માટે સત્તાધારી પક્ષ તરફથી કુલ રુપિયા
૨૧૬૦.૫૨ કરોડનુ બજેટ મંજૂર કરાયુ છે.મંજૂર કરવામા આવેલા બજેટની સામે કુલ રુપિયા
૯૧૩.૯૪ કરોડનો ખર્ચ કરવામા આવેલો છે.દર્દીઓની સંખ્યા ઘટી છે.મોટાભાગની સેવાઓ બંધ
કરી દેવામા આવી છે.સ્ટાફ પણ પુરતો નથી.આ પરિસ્થિતિમાં હોસ્પિટલમાં કરવામા આવેલા
ખર્ચની તપાસ માટે એક કમિટિ બનાવવામા આવે.એક તબકકે અધ્યક્ષ સ્થાને બેઠેલા મેયર
પ્રતિભાજૈને કમિટિ બનાવો ત્યાં સુધી કીધા બાદ કંઈક ખોટુ બોલાઈ ગયુ એમ લાગતા બોર્ડ
બેઠક દસ મિનીટ માટે મુલત્વી રખાઈ હતી.મકતમપુરાના કોર્પોરેટર હાજી અસરાર બેગે નવી
વી.એસ.હોસ્પિટલ બનીને તૈયાર ના થાય ત્યાં સુધી એસ.વી.પી.હોસ્પિટલમાં તમામ ગરીબ અને
મધ્યમ વર્ગના દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળે એવી વ્યવસ્થા કરવા રજૂઆત કરી
હતી.કોર્પોરેટર અકબર ભાટીએ વી.એસ.હોસ્પિટલમાં છેલ્લા છ વર્ષમાં સારવાર આપવામા
આવેલા દર્દીઓને લગતી વિગત રજૂ કરતા બેઠકમાં હોબાળો મચી ગયો હતો.
વી.એસ.હોસ્પિટલમાં વર્ષ વાઈસ કરવામા આવેલ ખર્ચ
વર્ષ રકમ
મંજૂર થયેલો ખર્ચ(કરોડમાં)
૨૦૧૧-૧૨ ૧૧૮.૧૪ ૬૬.૬૨
૨૦૧૨-૧૩ ૧૧૫.૩૯ ૬૦.૪૮
૨૦૧૩-૧૪ ૧૩૨.૯૯ ૩૩.૦૨
૨૦૧૪-૧૫ ૧૧૦.૫૧ ૪૮.૩૫
૨૦૧૫-૧૬ ૧૦૯.૯૯ ૭૨.૦૦
૨૦૧૬-૧૭ ૧૨૫.૪૪ ૮૧.૬૦
૨૦૧૭-૧૮ ૧૩૯.૧૪ ૯૫.૦૩
૨૦૧૮-૧૯ ૧૫૭.૯૫ ૧૧૧.૧૨
૨૦૧૯-૨૦ ૨૨૪.૦૮ ૧૧૬.૪૫
૨૦૨૦-૨૧ ૧૯૫.૭૨ ૧૧૨.૭૦
૨૦૨૧-૨૨ ૧૬૩.૮૫ ૧૧૬.૪૦
૨૦૨૨-૨૩ ૧૭૩.૩૨ -------
૨૦૨૩-૨૪ ૧૮૩.૦૦ -----
૨૦૨૪-૨૫ ૨૫૭.૨૬ --------
છ વર્ષમાં સારવાર લીધેલા દર્દીની સંખ્યા
અમદાવાદ મ્યુનિ.સંચાલિત શેઠ વાડીલાલ
સારાભાઈ હોસ્પિટલમાં છ વર્ષમાં સારવાર લીધેલા દર્દીઓની વિગત આ મુજબ છે.
વર્ષ OPD ઈન્ડોર
૨૦૧૮ ૭૫૮૨૨૬ ૭૩૮૬૫
૨૦૧૯ ૪૩૫૫૪૧ ૧૯૯૯૭૩
૨૦૨૦ ૧૫૩૮૬૯ ૫૮૪૦
૨૦૨૧ ૨૧૭૮૬૮ ૧૦૦૧૫
૨૦૨૨ ૨૯૧૭૧૬ ૯૬૪૬
૨૦૨૩ ૨૩૫૩૪૩ ૬૮૮૧
SVP હોસ્પિટલમાં લોન્ડ્રી પાછળ રુપિયા ૬૦ લાખનો ખર્ચ થતો હોવાનો
આક્ષેપ
અમદાવાદ મ્યુનિ.સંચાલિત
એસ.વી.પી.હોસ્પિટલમાં લોન્ડ્રી પાછળ રુપિયા ૬૦ લાખનો ખર્ચ કરવામા આવતો હોવાનો
મ્યુનિ.ની બજેટ બેઠકમાં મકતમપુરાના કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો.ઉપરાંત ગંદી વાસ
મારતા હોવા છતાં પ્રેસ કરીને દર્દીને કપડા અપાતા હોવાનો કોર્પોરેટરે આક્ષેપ કરવા
છતાં સત્તાધારીપક્ષ તરફથી આક્ષેપનો કોઈ જવાબ અપાયો નહોતો.