બેદરકારીના કારણે બનેલી દુર્ઘટના, મણીનગરમાં બાંધકામ સાઈટની ભેખડ ધસતા ચાર દટાયા, એકનું મોત નિપજયુ
શ્રીજી એલિગન્સની સાઈટ ઉપર બેઝમેન્ટ ભરવાની કામગીરી ચાલતી હતી,સેફટી મેજરમેન્ટ લેવાયા ન હોવાનુ પ્રાથમિક તારણ
અમદાવાદ,બુધવાર,
14 ફેબ્રુ,2024
અમદાવાદના મણીનગર વિસ્તારમાં શ્રીજી એલિગન્સની બાંધકામ
સાઈટની ભેખડ એકાએક ધસી પડતા ચાર લોકો દટાયા હતા.આ પૈકી ત્રણ ઈજાગ્રસ્તોને
એલ.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી અપાયા હતા.એક વ્યકિતનુ મોત નિપજયુ હતુ.બાંધકામ સાઈટ ઉપર સેફટી મેજરમેન્ટ લેવામાં
આવ્યા નહીં હોવાનુ તારણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતુ.
શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી આઈ.સી.આઈ.સી.આઈ.બેન્કની
પાસે શ્રીજી ઈન્ફ્રા ડેવલપર દ્વારા શ્રીજી એલિગન્સ બાંધકામ સાઈટના બેઝમેન્ટની
કામગીરી ચાલી રહી હતી.સવારે ૧૧.૪૦ કલાકના સુમારે અમદાવાદ ફાયર કંટ્રોલને આ બાંધકામ
સાઈટની ભેખડ એકાએક ધસી પડી હોવાના કારણે દટાયેલા લોકોના રેસ્કયૂ માટેનો કોલ મળતા
ડીવીઝનલ ફાયર ઓફિસર,સ્ટેશન
ઓફિસર સહિત ૨૪ લોકોના સ્ટાફ પાંચ ઈમરજન્સી
રેસ્કયૂ વ્હીકલ સાથે ઘટના સ્થળે બચાવ કામગીરી માટે પહોંચ્યો હતો.ફાયરની ટીમ ઘટના
સ્થળે બચાવ કામગીરી માટે પહોંચી એ અગાઉ દટાયેલા એક કામદારને બહાર કાઢી લેવામા
આવ્યો હતો.ફાયરની ટીમ દ્વારા દટાયેલા પાયલ બહેન,ઉંમર વર્ષ-૨૨,શાંતિબહેન, ઉંમર વર્ષ-૧૯ તથા
ચિરાગભાઈ,ઉંમર
વર્ષ-૩૨ને બહાર કાઢી ૧૦૮ મારફતે એલ.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપવામા
આવ્યા હતા.એલ.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામા આવેલા પૈકી ચિરાગ પ્રજાપતિ,ઉંમર વર્ષ-૩૨ કે
જે બાંધકામ સાઈટ ઉપર લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હતા તેમને હોસ્પિટલ તંત્ર
તરફથી મૃત જાહેર કરવામા આવ્યા હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.