Get The App

અમૂલ દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો, ચૂંટણી પરિણામ પહેલાં મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
અમૂલ દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો, ચૂંટણી પરિણામ પહેલાં મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો 1 - image


Amul Milk Price Hike | મધ્યમ વર્ગ માટે કમરતોડ મોંઘવારી વચ્ચે ભાવવધારાનો વધુ એક બોજ આવ્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂપિયાનો 2 નો વધારો કર્યો છે. 3  જૂનથી લાગુ થયેલો આ ભાવ વધારો અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા, આણંદ, પંચમહાલ, નર્મદા જિલ્લામાં લાગુ રહેશે. ભાવ વધારાને પગલે અમૂલ ગોલ્ડ  500 મિલી માટે રૂપિયા 32ને સ્થાને રૂપિયા 33 જ્યારે 1 લીટર માટે રૂપિયા 64ને સ્થાને રૂપિયા 66 ચૂકવવા પડશે. 

અમૂલ દૂધના ભાવમાં છેલ્લે ગત વર્ષે 1 એપ્રિલના વધારો કરવામાં આવ્યો હતો. એ વખતે 500 મિલી અમૂલ ગોલ્ડનો ભાવ રૂપિયા ૩૧ થી વધારીને રૂપિયા ૩૨ કરાયો હતો. આમ, શાકભાજી બાદ હવે દૂધના ભાવમાં વધારો થતાં મધ્યમ વર્ગનું બજેટ વધારે ખોરવાયું છે. અમૂલ દૂધમાં થયેલા આ ભાવ વધારા માટે ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાનું કારણ ફેડરેશન દ્વારા દર્શાવાયું છે. કૂદકેને ભૂસકે વધતી મોંઘવારી વચ્ચે દૂધની કિંમતમાં થયેલા વધારાએ મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગના રોષની અગ્નિમાં ઘી ઉમેરવાનું કામ કર્યું છે. 

અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર માટે રૂપિયા 60ને સ્થાને રૂપિયા 62 જ્યારે અમૂલ શક્તિનો 500 મિલીનો ભાવ રૂપિયા 29ને સ્થાને રૂપિયા 30 થઇ ગયો છે. અમૂલ ગાયના 500 મિલી દૂધની કિંમત રૂપિયા 27 થી વધીને રૂપિયા 28 જ્યારે અમૂલ તાજાની 1 લીટરની કિંમત રૂપિયા ૫૨થી વધીને રૂપિયા 54  થઇ ગઇ છે. ભેંસના દૂધની કિંમતમાં રૂપિયા 3નો વધારો થયો છે. ભેંસના દૂધની 1 લીટરની કિંમત રૂપિયા 68 હતી અને તે હવે વધીને 71 થઇ છે. દૂધની કિંમતમાં વધારો થતાં હવે આગામી દિવસોમાં ચા-કોફી, મીઠાઇ, દૂધની વિવિધ બનાવટોની કિંમતના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવશે તેમ મનાઇ રહ્યું છે. અલબત્ત સાગર સ્કિમડ મિલ્કમાં કોઇ પ્રકારનો ભાવ વધારો કરાયો નથી. 

ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એક યાદીમાં જણાવ્યું છે કે, 'દૂધના પરિવહનની કિંમતમાં થયેલા વધારાને પગલે ભાવમાં વધારો કરવો પડયો છે. સાધારણ ફૂગાવા કરતાં પણ આ ભાવ વધારો ઓછો છે. ફેબુ્રઆરી ૨૦૨૩ બાદ અમૂલ દ્વારા મુખ્ય માર્કેટમાં કોઇ જ વધારો કરાયો નથી. ' 

ઉલ્લેખનીય છે કે, 1 જૂને જ 'રાષ્ટ્રીય દૂધ દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી. જેના ૨૪ કલાકમાં જ દૂધની કિંમતમાં ભાવ વધારો કરાયો છે. ગુજરાતમાં પ્રતિ દિવસે 319 લાખ મીટર દૂધનું ઉત્પાદન થાય છે. તેનું માથા દીઠ ઉત્પાદન 6.75 ગ્રામ છે.  પ્રતિ વર્ષે સૌથી વધુ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ 3.62 કરોડ લીટર ટન સાથે મોખરે, રાજસ્થાન 3.33 લાખ કરોડ સાથે બીજા, મધ્ય પ્રદેશ 2.01 લાખ કરોડ ટન સાથે ત્રીજા જ્યારે ગુજરાત 1.72 કરોડ ટન ઉત્પાદન સાથે ચોથા સ્થાને છે.



Google NewsGoogle News