અમદાવાદમાં AMTSના ડ્રાઈવરે રોડ ક્રોસ કરી રહેલા આધેડને ટક્કર મારી, સારવાર દરમિયાન મોત નિપજ્યું

બસનો ડ્રાઈવર બસ લઈને ફરાર થઈ ગયો પણ કંડક્ટર ઈજાગ્રસ્ત આધેડને શેલ્બી હોસ્પિટલ લઈ ગયો હતો

મૃતક આધેડના દીકરાએ જી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં AMTSના ડ્રાઈવરે રોડ ક્રોસ કરી રહેલા આધેડને ટક્કર મારી, સારવાર દરમિયાન મોત નિપજ્યું 1 - image



અમદાવાદઃ શહેરમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતના કેસ બાદ પોલીસે ઓવરસ્પિડ વાહનો સામે ઝૂંબેશ ચલાવી હતી. પુરપાટ ઝડપે વાહન ચલવાતા લોકોને આડેધડ દંડવાનું શરૂ કરી દેતાં લોકોમાં રોષ ફેલાયો હતો. બીજી તરફ AMCના ડમ્પરો, ડોર ટુ ડોર કચરો લેતા વાહનો અને AMTS બસોના ડ્રાઈવરો બેફામ પણે ડ્રાઈવિંગ કરતાં હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાના સવાલો ચર્ચામાં છે. ગઈકાલે નરોડામા AMTS બસના ડ્રાઈવરે એક રાહદારી આધેડને ટક્કર મારતાં આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને જી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 

આધેડને AMTS બસના ડ્રાઈવરે ટક્કર મારી 

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના નરોડમાં મુક્તિધામ પાસેથી રોડ ક્રોસ કરી રહેલા આધેડ જગદીશભાઈ રોહિતને પુરપાટ ઝડપે આવતી AMTS બસના ડ્રાઈવરે ટક્કર મારી હતી. જગદીશભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતાં અને તેમના બે દીકરાઓ એક જ કંપનીમાં નોકરી કરે છે. તેમના મોટા દીકરા કુલદીપને તેના મિત્રનો ફોન આવ્યો હતો કે તારા પિતાનો મુક્તિધામ પાસે અકસ્માત થયો છે અને તેમને શેલબી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે. જેથી બંને ભાઈઓ શેલબી હોસ્પિટલ ગયા હતાં. 

જી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

હોસ્પિટલમાં બસનો કંડક્ટર વિપુલ ડિંડોડ હાજર હતો. જેને અકસ્માત અંગે જગદીશભાઈના દીકરાએ પુછતાં તેણે જણાવ્યું હતું કે, મુક્તિધામ પાસે બસના ડ્રાઈવરે ટક્કર મારી હતી અને તરત હું બસની નીચે ઉતરી ગયો હતો. ત્યાર બાદ ડ્રાઈવર ત્યાંથી બસ લઈને રવાના થઈ ગયો હતો. જેથી હું તમારા પિતાને હોસ્પિટલમાં લઈને આવ્યો છું. શેલ્બી હોસ્પિટલમાં ન્યુરોસર્જનની સુવિધા નહીં હોવાથી જગદીશભાઈને બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. આ ઘટનાને લઈને મૃતક જગદીશભાઈના દીકરા કુલદીપે જી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News