ભગવાનથી તો થોડા ડરો.. અમરેલીમાં ચોરો આખેઆખી દાનપેટી ઉપાડી ગયા, સીસીટીવીમાં કેદ થયાં દ્રશ્યો
Theft in Amreli Momai Mata Temple: છેલ્લાં ઘણાં સમયથી તસ્કરો આસ્થાના સ્થાનને ચોરી માટેનો ટાર્ગેટ બનાવી રહ્યાં છે. પાવાગઢ બાદ હવે તસ્કરોએ અમરેલીમાં લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતા એવા મોમાઈ માતાના મંદિરમાં દાનપેટીની ચોરી કરી છે. તસ્કરો મોડી રાત્રે માતાજીના મંદિરમાં આવી આખે આખી દાનપેટી જ ઉપાડીને જતાં રહ્યાં હતાં. જોકે, બંને તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયાં છે. પોલીસ આ તસ્કરોની શોધખોળ કરી રહી છે.
શું હતી સમગ્ર ઘટના?
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચોત્રા ગામ નજીક રોડ ઉપર મોમાઈ માતાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં લગભગ રાત્રે બે વાગ્યાની આસપાસ 2 અજાણ્યા શખસ મોઢે રૂમાલ બાંધીને મંદિરમાં પ્રવેશ્યા હતાં. પહેલાં મંદિરમાં તેઓએ રેકી કરી અને ચારેય તરફ નજર કરી કે, કોઈ છે તો નહીં અને પોતાને ખાતરી થતાં, તુરંત જ મંદિરમાં મૂકવામાં આવેલી આખેઆખી દાનપેટી જ ઉપાડીને જતા રહ્યાં.
આ પણ વાંચોઃ પાવાગઢ: મહાકાળી મંદિરમાં ચોરી કરનાર ઝડપાયો, 78 લાખના આભૂષણ ચોરી કરી ટ્રકમાં છૂપાવ્યા હતા
મંદિરના પૂજારીએ નોંધાવી ફરિયાદ
સમગ્ર ઘટના બાદ સવારે જ્યારે મંદિરના પૂજારી પ્રકાશભાઈ રામપ્રસાદ મંદિરમાં પૂજા માટે આવ્યાં ત્યારે તેઓએ દાન પેટી ન જોતા ચોંકી ગયાં. આસપાસમાં તપાસ કરી ચોરીની ખાતરી થતાં તેઓએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પૂજારીની ફરિયાદ મુજબ દાનપેટીમાં 50 હજાર રૂપિયા જેટલી રકમ હોવાની સંભાવના છે. પોલીસે પૂજારીની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસ ફરિયાદ આધારે તપાસ કરતાં રાજુલા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તેઓએ સીસીટીવી કેમેરાની ફૂટેજ ચેક કરતાં બે શખસ મોડી રાત્રે દાનપેટી ચોરી કરતાં જોવા મળ્યા હતાં. સીસીટીવી આધારે સમગ્ર ઘટનાક્રમનું નિરીક્ષણ કરી પોલીસે ચોરને શોધવાની તજવીજ હાથ ધરી છે.