અમરેલી- લીલીયામાં તંત્રના વાંકે ફેલાશે રોગચાળો, ખાંભાનું સરકારી દવાખાનું બિમાર, વૉર્ડમાં ફરે છે શ્વાન
Amreli People Suffer from Sewage overflow : ચોમાસા બાદ સરકાર રોગચાળો ન ફેલાય તે માટે લોકોને તકેદારી રાખવાનું કહે છે. પરંતુ પોતે હાથ પર હાથ ધરીને બેસી રહે છે. આવી જ સ્થિતિ જોવા મળી અમરેલી જિલ્લાના લીલીયા અને ખાંભામાં. છેલ્લા છેલ્લા ત્રણ મહિનાથી લીલીયાના અનેક વિસ્તારમાં ગટરો ઉભરાઈ રહી છે. જેના કારણે રોગચાળાનો ખતરો વધી ગયો છે. જ્યારે ખાંભામાં સરકારી હોસ્પિટલ જ બીમાર બની છે.
વારંવાર રજૂઆત, પરિણામ શૂન્ય
લીલીયામાં ગટરના પાણી અનેક રસ્તા, બજારોમાં વહેતા જોવા મળે છે. મચ્છરોના ઉપદ્રવ અને ગંદકીથી રોગચાળો વકરી રહ્યો છે. ગટરમાંથી સતત પાણી ઉભરાતુ હોવાથી રસ્તા પર ઠેક ઠેકાણે લીલ જામી ગઈ છે. જેથી અનેક વાહનચાલકો લપસી પડતા અકસ્માત સર્જાય છે. સ્થાનિકોની સાથે વેપારીઓ પણ ભારે પરેશાન છે. તેમના ધંધા રોજગાર પર માઠી અસર પડી છે. સરપંચ અને અધિકારીઓેને અનેક વખત રજૂઆત કરાઈ છતાં સમસ્યાનું નિરાકરણ નથી લવાતુ. લાગે છે કે પ્રશાસન અને અધિકારીઓ ભાજપના સદસ્યતા અભિયાનની કામગીરીમાં વ્યસ્ત હશે.
સમસ્યાનું મૂળ કારણ
સ્થાનિકોનું કહેવું છે કે ગટર અને કુંડીઓની સમયાંતરે અને યોગ્ય રીતે સફાઈ નથી કરાતી જેના કારણે અવારનવાર ગટરો ઉભરાય છે. તો કેટલાકે ભૂગર્ભ ગટરની બનાવટ સામે જ સવાલ ઉભા કર્યા છે.
આ પણ વાંચોઃ જામનગરમાં ગણપતિ મહોત્સવની પ્રસાદી ખાધા બાદ 100 બાળકોને ફૂડ પોઇઝનિંગ, બેડ ખૂટી પડ્યા
ખાંભાની સરકારી હોસ્પિટલ બીમાર
તો બીજી તરફ અમરેલીના ખાંભાની વાત કરીએ તો અહીંનું સરકારી દવાખાનું પોતે જ બીમાર જોવા મળે છે. આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની ઘટ છે. ત્રણ ડોક્ટરની સામે માત્ર એક ડોક્ટર ઓપીડી પર છે. કારણ કે એક ડોક્ટર ડેપ્યુટેશન પર અને અન્ય એક ડોકટર ટ્રેનિંગમાં છે. જેના કારણે દૂર દૂરથી આવતા દર્દીઓને યોગ્ય સારવાર નથી મળતી. દર્દીઓને કલાકો સુધી રાહ જોવાનો વારો આવે છે કે પછી તેઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બને છે.
સરકારી હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરા
ખાંભાની સરકારી હોસ્પિટલમાં રખડતા શ્વાન આંટેફેરા મારતા જોવા મળે છે. કોઈ પણ રોકટોક વગર શ્વાન હોસ્પિટલના ગમે તે વોર્ડમાં ફરે છે. ડોક્ટરોના અભાવે દર્દીઓ માટેના મોટાભાગના બેડ ખાલી છે. અને આવા ખાલી બેડ નીચે શ્વાન આરામ ફરમાવતા જોવા મળે છે.
આ પણ વાંચોઃ ભાદરવી પૂનમના મહામેળામાં બસ માટે નહી મારવા પડે ફાંફા, જાણી લો ક્યાંથી કયા રૂટની મળશે બસ
હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય
ગંદકીને કારણે લોકો બીમારીનો ભોગ બની હોસ્પિટલ આવે છે. પરંતુ આરોગ્ય સુધારવાના સ્થળ એવા આરોગ્ય કેન્દ્ર પર જ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. હોસ્પિટલમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે. પરિસરમાં ભરાયેલા પાણીના કારણે મચ્છરોના ઉપદ્રવથી દર્દીઓ અને તેમના સ્વજનો પરેશાન બને છે.