Get The App

ગુજરાતમાં ઓછા મતદાનથી ભાજપ ચિંતિત, મોડી રાતે કમલમમાં દિગ્ગજોની બેઠક, ક્ષત્રિયો મુદ્દે થઈ ચર્ચા

Updated: May 8th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં ઓછા મતદાનથી ભાજપ ચિંતિત, મોડી રાતે કમલમમાં દિગ્ગજોની બેઠક, ક્ષત્રિયો મુદ્દે થઈ ચર્ચા 1 - image


Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોમાં સાંજના પાંચ વાગ્યા સુધીના ઓછા મતદાને ભાજપની ચિંતામાં વધારો કર્યો છે. શરૂઆતમાં આક્રમક અને ત્યારપછી ધીમું મતદાન ઉમેદવારોને પણ મૂંઝવી રહ્યું છે. આ સંજોગોમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહમંત્રી અમીત શાહે પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરી મતદાન અંગે સમીક્ષા કરી હતી.

પ્રદેશના નેતાઓએ મતદારોના વલણ અંગે ચર્ચા કરી

રાજ્યમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું હોવાનો રિપોર્ટ સામે આવતાં પ્રદેશના નેતાઓએ મતદારોના વલણ અંગે ચર્ચા કરી હતી. રાજ્યમાં ક્ષત્રિય આંદોલને કેટલી અસર કરી, કઇ બેઠકમાં કોંગ્રેસને કેટલો ફાયદો થશે તેમજ પાર્ટીની અપેક્ષા પ્રમાણે પ્રત્યેક બેઠકમાં પાંચ લાખની લીડ મળશે કે કેમ તે અંગે મંથન કરવામાં આવી રહ્યું છે. 

બેઠક માટે અમીત શાહ દિલ્હીની યાત્રા અટકાવી હતી

આ બેઠક માટે અમીત શાહ દિલ્હીની યાત્રા અટકાવી અચાનક રોકાઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં પ્રદેશ ભાજપના નેતાઓ, હોદ્દેદાર અને વિવિધ બેઠકના પ્રભારીઓ હાજર રહ્યા હતા. આવી જ એક બેઠક અમદાવાદના એસ.જી.હાઈવે સ્થિત કાર્યાલય ખાતે પણ મળી હતી.

મતદાન ઓછું થવાનું એક કારણ કાળઝાળ ગરમી પણ 

કાળઝાળ ગરમીના કારણે સવારના સમયે શરૂઆતમાં મતદાન આક્રમક રહ્યું પરંતુ બપોર પછી અચાનક મતદાન ઓછું થવા પાછળનું કારણ હોઈ શકે છે પરંતુ આ મુદ્દો પણ ભાજપના નેતાઓની બેઠકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. 

પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ પણ સમીક્ષા કરી 

આ ઉપરાંત પ્રત્યેક બેઠકમા પેજ સમિતિ અને કાર્યકરોએ કેવી મહેનત કરી છે, પાર્ટીના ક્યા નેતા કે કાર્યકર્તાઓ નારાજ રહ્યાં છે તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

ઓછું મતદાન થવાના કારણોની ચર્ચા થશે 

ભાજપના એક પ્રદેશ નેતાએ કહ્યું હતું કે આજે રાજ્યની તમામ બેઠકોના મતદાનના આંકડા આવી ગયા પછી પ્રદેશની મિટીંગમાં તેનું બેઠક અને વિધાનસભાના વિસ્તારોના આંકડા સાથે મંથન કરવામાં આવશે જેમાં બપોર પછી ઓછું મતદાન થવાના ગરમી સિવાયના કારણોની પણ ચર્ચા થશે. 

ચૂંટણી પંચના ફાઈનલ આંકડા આવ્યા બાદ જ મતદાન અંગે જાણકારી મળશે 

ચૂંટણી પંચ તરફથી હજી ફાઈનલ આંકડા આવ્યા નહીં હોવાથી ઓછું મતદાન થયું છે તેમ કહી શકાય નહીં. મતદાન સમયે એવી અટકળો વહેતી થઈ હતી કે વલસાડ, આણંદ અને બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન થયું છે તેથી તેનો ફાયદો વિપક્ષને થવાનો છે.

પરંતુ આ નેતાએ તેનો ઈન્કાર કરતાં જણાવ્યું હતું કે મતદાન વધુ થાય કે ઓછું થાય પરંતુ ભાજપના કમિટેડ મતો ઉમેદવારોને મળ્યા છે એટલે તમામ બેઠકમાં વિજય થવાની અમને આશા છે, જો કે પાંચ લાખની લીડ અંગે તેમણે મૌન સેવ્યું છે.

ગુજરાતમાં ઓછા મતદાનથી ભાજપ ચિંતિત, મોડી રાતે કમલમમાં દિગ્ગજોની બેઠક, ક્ષત્રિયો મુદ્દે થઈ ચર્ચા 2 - image


Google NewsGoogle News