ભાજપના નેતાઓની જશ ખાટવાની હોડ વચ્ચે ખાડીયામાં ત્રણ કરોડના ખર્ચે રીસ્ટોર કરાયેલી હોસ્પિટલ ધૂળ ખાઈ રહી છે
મ્યુનિસિપલ કમિશનર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા લેખિત રજૂઆત છતાં હોસ્પિટલ માટે સ્ટાફ ફાળવાતો જ નથી
અમદાવાદ,ગુરુવાર,23
જાન્યુ,2025
અમદાવાદના ખાડીયા વોર્ડના કાપડીવાડ વિસ્તારમાં આવેલી રેફરલ
હોસ્પિટલનું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રુપિયા ૩.૧૭ કરોડના ખર્ચથી રીસ્ટોરેશન
કરવામાં આવ્યું છે. રીસ્ટોરેશનની કામગીરી પુરી થયાને બે મહીનાથી વધુ સમય થઈ ગયો
છે. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ
લેખિત રજૂઆત સરકારી તંત્ર સમક્ષ કરી હોેવાછતાં હોસ્પિટલ શરૃ કરવા માટે સ્ટાફ
ફાળવવામાં આવતો નથી.હોસ્પિટલ શરુ નહીં થતાં ખાડિયા ઉપરાંત જમાલપુર વોર્ડના હજારો
નાગરિકોને આરોગ્ય વિષયક સેવા મળી શકતી નથી. હોસ્પિટલ શરુ ના થાય એ પાછળ ખાડીયાના
ભાજપના નેતાઓની જશ ખાટવાની હોડ પણ કારણ હોવાનું આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ
છે.
રાયપુર કાપડીવાડ વિસ્તારમાં આવેલી રેફરલ હોસ્પિટલમાં એક
સમયે મોટી સંખ્યામાં દર્દીઓને વિવિધ રોગ અંગે સારવાર આપવામાં આવતી હતી.સ્વ.અશોક
ભટ્ટ રાજય સરકારમાં આરોગ્ય મંત્રી હતા તે સમયે તેમણે આરોગ્ય વિભાગની મંજૂરી મેળવી
કાપડીવાડ રેફરલ હોસ્પિટલ ખાતે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી સ્ટાફને ફરજ ઉપર
હાજર કરાવ્યો હતો.તેમના અવસાન પછી સમય જતા બિલ્ડિંગ જર્જરીત થઈ જતા ખાડીયા વોર્ડના
વર્તમાન કોર્પોરેટરોની સતત રજૂઆત પછી વર્ષ-૨૦૨૨માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
રેફરલ હોસ્પિટલના જર્જરીત થયેલા બિલ્ડિંગનુ રીસ્ટોરેશન કરવા નિર્ણય કર્યો હતો.૨૫
માર્ચ-૨૦૨૨થી હોસ્પિટલના બિલ્ડિંગના રીસ્ટોરેશનની મંજૂરી આપવામાં આવી
હતી.રીસ્ટોરેશનની કામગીરી પુરી થતાં હોસ્પિટલ શરૃ કરવા,સ્ટાફની નિમણૂંક
કરવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(હેલ્થ,હોસ્પિટલ)
દ્વારા તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલને લેખિત જાણ કરવામાં આવી હતી.મ્યુનિસિપલ
કમિશનરે ૧૬ જાન્યુઆરી-૨૫ ના રોજ રાજયના આરોગ્ય વિભાગના અગ્ર સચિવને તથા સ્ટેન્ડિંગ
કમિટી ચેરમેને ૧૭ જાન્યુઆરી-૨૫ના રોજ રાજયના આરોગ્યમંત્રીને હોસ્પિટલ શરુ કરવા
સ્ટાફ આપવા લેખિત રજૂઆત કરી હોવાછતાં હજી સુધી સરકાર તરફથી સ્ટાફની ફાળવણી કરવામાં
આવી નથી.