Get The App

અમેરિકામાં એક ગુજરાતીએ બીજા ગુજરાતીની કરી હત્યા, 24 વર્ષના યુવકની ન્યૂ જર્સી પોલીસે કરી ધરપકડ

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
અમેરિકામાં એક ગુજરાતીએ બીજા ગુજરાતીની કરી હત્યા, 24 વર્ષના યુવકની ન્યૂ જર્સી પોલીસે કરી ધરપકડ 1 - image


Gujarat Crime: ઘણીવાર વિદેશમાંથી એવી ઘટના સામે આવે છે, જ્યાં ગુજરાતીની લૂંટ અથવા હત્યાના બનાવ સામે આવે છે. પરંતુ, હાલ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક ગુજરાતીએ જ ગુજરાતીની હત્યા કરી દેવાનું સામે આવ્યું છે. અમેરિકાના ન્યૂ જર્સીના ઉપનગર પેરામાસમાં ગાંધીનગરના ભાડૂત યુવકે વડોદરાની 74 વર્ષની મહિલા મકાન માલિકની હત્યા અને લૂંટ કરી ભાગી ગયો હતો. યુવક મકાન માલિકના ડેબિટ કાર્ડમાંથી 4500 ડોલર (અંદાજે 3.80 લાખ રૂપિયા) બેન્કમાંથી ઉપાડી તેમની જ કાર લઈ ફરાર થઈ ગયો હતો. જોકે, ન્યૂ જર્સી પોલીસે યુવકને ઝડપી લીધો છે. 

શું હતી સમગ્ર ઘટના? 

વડોદરાના રીટા આચાર્ય પોતાના પતિના નિધન બાદથી છેલ્લા 10 વર્ષથી ન્યૂયોર્કના ટ્વીન સિટી ન્યૂ જર્સીમાં એકલા રહેતા હતાં. આ દરમિયાન ગાંધીનગરનો 24 વર્ષીય કિશન શેઠ વધુ અભ્યાસ માટે ન્યૂ જર્સીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં અભ્યાસ કરવા પહોંચ્યો હતો. જ્યાં તેનો રીટા આચાર્ય સાથે સંપર્ક થયો અને ગુજરાતી હોવાના કારણે રીટા આચાર્યે દોઢ વર્ષ પહેલાં તેને એક રૂમ ભાડે આપ્યો હતો. જોકે, તેણે ઘરમાં ચોરી કરી હોવાની ઘટના સામે આવતા રીટા આચાર્યે તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. જેના કારણે યુવકને ગુસ્સો આવ્યો અને મહિલાની હત્યા બાદ લૂંટ કરીને ભાગી ગયો હતો.

આ પણ વાંચોઃ PI પાદરીયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ, જાણો સરદાર ધામ અને ખોડલ ધામે શું કહ્યું?

કાર અને બેન્ક કાર્ડ લઈ નાસી ગયો યુવક

સોમવારે (25 નવેમ્બર) રીટા આચાર્ય ઘરના સોફા પર મૃત હાલતમાં પડ્યા હતાં. તેમના પેટમાં ચપ્પુના ઘા વાગેલા હતાં અને પુષ્કળ લોહી વહી જતાં તેમનું મોત નિપજ્યુ હતું. સમગ્ર હત્યા વિશે ન્યૂ જર્સી પોલીસે હત્યાની તપાસ કરી તો પોલીસને જાણ થઈ કે, કિશન રીટા આચાર્યની કાર અને બેન્કનું કાર્ડ લઈને આરોપી ભાગી ગયો હતો. પોલીસે ઘરની આસપાસના કેમેરાની તપાસ કરી તો કિશન કાર લઈને નાસતો જોવા મળ્યો હતો. પોલીસે ફક્ત 24 કલાકની અંદર ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો હતો. 

આ પણ વાંચોઃ વડોદરાની જૂની કલેકટર કચેરીમાં ભયજનક બિલ્ડીંગ હોવા છતાં ઇ-કેવાયસી લિંક અપ માટે વહેલી સવારથી ભારે ભીડ

સમગ્ર ઘટનાથી અમેરિકાના ગુજરાતીઓમાં ચકચાર મચી ગઈ છે. તેમજ વૃદ્ધાના વડોદરા, રાજકોટ અને મુંબઈ રહેતાં સગા સંબંધીઓમાં હાલ શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જોકે, હાલ આ હત્યારાને ન્યૂ જર્સી પોલીસે ઝડપી લીધો છે. 


Google NewsGoogle News