અમદાવાદીઓ સાચવજો! થોડા દિવસ ડહોળું પાણી આવે તેવી શક્યતા, ઉકાળીને પીજો
AMC Told Ahmedabad Residents To Boil Water And Drink It : રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થતા નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. બીજી તરફ, નર્મદા કેનાલ મારફતે અમદાવાદ શહેરમાં પૂરું પાડવામાં આવતા પાણીમાં ડહોળાશ સામાન્ય કરતાં વધુ હોવાથી AMCના વોટર ખાતા દ્વારા અમદાવાદવાસીઓને સાવચેતીના ભાગરૂપે પાણીને ઉકાળીને પીવા માટે અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : વાવાઝોડું ફંટાયું પણ હજુ મેઘરાજા કરશે તાંડવ, ગુજરાતમાં આ તારીખે ફરી સક્રિય થશે વરસાદી સિસ્ટમ
સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને અનેક નદી-નાળા અને ડેમ છલકાયા છે. આ દરમિયાન ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો જોવા મળ્યો છે. જો કે, ડેમની સપાટીમાં થતાં વધારાને ધ્યાનમાં રાખીને નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે.
AMC હેઠળના વોટર ખાતાની અમદાવાદીઓને અપીલ
AMC હેઠળના વોટર ખાતા દ્વારા નર્મદા કેનાલમાંથી પાણીનો જથ્થો મેળવી અને તેનું શુદ્ધિકરણ કરીને આખા અમદાવાદમાં પાણી પૂરું પાડવામાં આવી છે. તેવામાં સરદાર સરોવર ડેમની સપાટીમાં પાણીની આવક વધતાં નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી નર્મદા કેનાલ મારફતે આવતાં પાણીમાં ડહોળાશ સામાન્ય કરતાં વધુ રહેતી હોવાથી આગામી દિવસોમાં ડહોળું પાણી આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને AMC હેઠળના વોટર ખાતા દ્વારા અમદાવાદવાસીઓને પાણીને ઉકાળીને પીવા જાહેર અપીલ કરવામાં આવી છે.
રાજ્યના નદી-નાળા, ડેમ છલકાયા
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે, ત્યારે રાજ્યના અનેક નદી-નાળા અને ડેમ છલકાયા છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી 5 સપ્ટેમ્બર સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.