Get The App

ખાટલે મોટી ખોડ: AMC પોતે પીવાલાયક પાણી પૂરું પાડવામાં નિષ્ફળ, 1272 સેમ્પલ 'અનફીટ'

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
ખાટલે મોટી ખોડ: AMC પોતે પીવાલાયક પાણી પૂરું પાડવામાં નિષ્ફળ, 1272 સેમ્પલ 'અનફીટ' 1 - image
Representative image  

Drinking Water in Ahmedabad: અમદાવાદના 48 વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરરોજ 1647 મિલીયન લિટર પીવાનુ શુદ્ધ પાણી આપવામાં આવતુ હોવાનો તંત્ર તરફથી દાવો કરવામાં આવે છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ અલગ અલગ વોર્ડમાંથી શહેરીજનો તરફથી પ્રદૂષિત પાણી આવતુ હોવા અંગે ફરિયાદ પછી પાણીના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવે છે. લેબોરેટરી તપાસ પછી વર્ષ-2024માં બહેરામપુરા વોર્ડમાં 148, દાણીલીમડા વોર્ડમાં 105 જ્યારે ઈન્દ્રપુરી વોર્ડમાં 103 પાણીના સેમ્પલ લેબોરેટરી તપાસ પછી પીવાલાયક નહીં હોવાથી અનફીટ જાહેર કરવામાં આવ્યા હતા.

ખાટલે મોટી ખોડ: AMC પોતે પીવાલાયક પાણી પૂરું પાડવામાં નિષ્ફળ, 1272 સેમ્પલ 'અનફીટ' 2 - image

નદીપારના ત્રણ ઝોનમાં બે સમય પાણી આપવામાં આવે છે 

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં બે પદ્ધતિથી પીવાનું પાણી શહેરીજનોને પુરુ પાડવામાં આવે છે. સરફેસ અને બોર આધારીત બે પદ્ધતિથી પુરા પાડવામા આવતા પાણી સપ્લાયમાં પણ શહેરના કોટ વિસ્તારમાં તો એક દાયકાથી પણ વધુના સમયથી સાંજના સમયે અડધો કલાક આપવામા આવતો પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે નદીપારના ત્રણ ઝોનમાં સવાર અને સાંજ એમ બે સમય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી આપવામાં આવે છે. મ્યુનિસિપલ તંત્રના દાવા મુજબ, અમદાવાદને પાણી પુરુ પાડવા માટે રાસ્કા અને જાસપુર સહીતના અન્ય સ્તોત્રમાંથી રોજ 1683 મિલીયન લિટર રો વોટર મેળવી તેને ટ્રીટ કર્યા પછી કુલ 1647 મિલીયન લિટર પાણી તમામ 48 વોર્ડમાં પુરુ પાડવામાં આવે છે. 

આ પણ વાંચો: સાપુતારામાં ચારધામ યાત્રાએથી પરત આવતી બસ ખીણમાં ગરકાવ, 5 શ્રદ્ધાળુઓના મોત

આમ છતાં મધ્યઝોન શાહીબાગ, અસારવા અને જમાલપુર વોર્ડમાં પાણી અને ડ્રેનેજની જુની લાઈન બદલવા વોર્ડ દીઠ ટેન્ડર કરી બાકીના વોર્ડ માટે કોન્ટ્રાકટર કામ કરવા તૈયાર નથી એવા બહાના આગળ કરીને વર્ષો જુની લાઈનો બદલવામા આવતી નથી. આ પ્રકારની પરિસ્થિતિ શહેરના દક્ષિણ ઉપરાંત પૂર્વ અને ઉત્તરઝોનની છે.પરંતુ તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ કે સત્તાધારીપક્ષમાં બેઠેલા પૈકી કોઈને પાણીમાં પોલ્યુશન આવતુ બંધ થાય એ પ્રકારની કામગીરી કરી શહેરીજનોને રાહત મળે એવી કામગીરી કરવામાં કોઈ રસ દેખાતો નથી.

તપાસના અંતે 1272 સેમ્પલ અનફીટ જાહેર કરાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ડોકટર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, 'અમદાવાદમાંથી રોજ સરેરાશ 100થી 150 પાણીના સેમ્પલ તપાસ માટે લેવામાં આવે છે. વર્ષ 2024 દરમિયાન પાણીના કુલ 63042 સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા હતા. તપાસના અંતે 1272 સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા. કલોરીન ટેસ્ટ માટે વર્ષ દરમિયાન કુલ 404031 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ પૈકી 5764 સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.

ખાટલે મોટી ખોડ: AMC પોતે પીવાલાયક પાણી પૂરું પાડવામાં નિષ્ફળ, 1272 સેમ્પલ 'અનફીટ' 3 - image


Google NewsGoogle News