પ્રજા પાસેથી વેરો વસૂલવામાં ઉતાવળી AMCએ ખુદ નથી ભર્યો 1.15 કરોડનો વેરો, સાત વર્ષનો પ્રોપર્ટી ટેક્સ બાકી
Ahmedabad Municipal Corporation : અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સમયાંતરે બાકી વેરાને લઈને કડક કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે કોઈ સામાન્ય નાગરિકનો વેરો બાકી હોય ત્યારે ઢોલ-નગારા સાથે આખી ટીમ મેદાને ઉતરી જાય છે. પરંતુ અત્યારે 'ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે' એવો ઘાટ સર્જાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને (એ.એમ.સી.) પોતે છેલ્લા સાત વર્ષથી રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વેરો ભર્યો નથી. આ વેરાની રકમ કરોડોમાં પહોંચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને છેલ્લા સાત વર્ષથી રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વેરો ભર્યો નથી. જેને લઈને જીંજર ગ્રામ પંચાયતે વારંવાર એ.એમ.સી.ને નોટીસ ફટકારી છે. છતાં નઠોર તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
વાત કરવામાં આવે તો વર્ષ 2018-2019માં 15,35,250 જ્યારે 2019-2020માં 15,35,250, 2020-2021માં 16,88,750 વર્ષ 2021-2022માં 16,88,750, વર્ષ 2022-2023માં 16,88,750, વર્ષ 2023-2024માં 16,88,750 જ્યારે વર્ષ 2024-2025માં 16,88,750 એમ કુલ સાત વર્ષમાં 1,15,14,250 કરોડનો પ્રોપર્ટી ટેક્સ જીંજર ગ્રામ પંચાયતને ચૂકવ્યો જ નથી.