દરિયાપુરમાં કોર્પોરેશનની દાદાગીરી, વગર નોટિસે 100 જેટલા દબાણો અને ઝૂંપડાં પર બુલડોઝર ફેરવ્યું
AMC Demolition in Ahmedabad: અમદાવાદમાં જાહેર રસ્તાઓ પર લારીઓ અને ઝૂંપડાંના દબાણો ઠેર-ઠેર જોવા મળે છે. જેના લીધે શહેરના મુખ્યમાર્ગો અને આંતરિક રસ્તાઓ સાંકડી ગલીઓ જેવા બનતા જાય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે દરિયાપુરના રામલાલના ખાડામાં વર્ષોથી લોકોએ કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. એ.એમ.સી. દ્વારા બુલડોઝર ફેરવી 100 જેટલા ઝૂંપડાં તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે કે કોર્પોરેશન દ્વારા કોઇ નોટિસ અથવા મૌખિક જાણકારી આપી ન હતી. વહેલી સવારથી બુલડોઝર ફેરવી દેતાં તેમની ઘરવખરીને ભારે નુકસાન થયું છે.
અમદાવાદના દરિયાપુરમાં ગેરકાયદે દબાણ પર એ.મી.સી દ્વારા બુલડોઝર ફેરવી દીધું છે. દરિયાપુરના રામલાલના ખાડામાં લોકોએ વર્ષોથી ઝૂંપડા બાંધી ગેરકાયદે દબાણોનો અડીંગો જમાવ્યો હતો. જેને તોડી પાડી એ.એમ.સી.એ રસ્તો ખુલ્લો કર્યો હતો. ઝૂંપડાં તોડી પાડતાં સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. નોટિસ વિના જ ઝૂંપડા તોડી પાડ્યા હોવાના સ્થાનિક રહીશોએ આરોપ લગાવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે દરિયાપુરમાં દબાણની કાર્યવાહી હાથ ધરતાં પહેલાં નરોડમાં પણ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 25થી વધુ દુકાનો તોડી પાડવામાં આવી હતી. કોર્પોરેશનના કર્મચારી દ્વારા સ્થાનિક દુકાનદારો અને વેપારીઓને સામાન પણ બહાર કાઢવાનો સમય ન આપતાં રોષની લાગણી જોવા મળી હતી.