Get The App

14001 કરોડના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં શહેરવાસીઓને જુઓ શું-શું મળ્યું

Updated: Feb 7th, 2025

GS TEAM


Google News
Google News
14001 કરોડના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં શહેરવાસીઓને જુઓ શું-શું મળ્યું 1 - image


AMC Budget Draft | અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન(AMC) વતી AMC કમિશ્નર એમ.થેન્નારસને 2025-26ના વર્ષ માટેનું 14,001 કરોડ રૂપિયાનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું.  ડ્રાફટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને રજૂ કરતા કહ્યું કે અમદાવાદ માટે આ બજેટ સસ્ટેનબલ અને કલાઈમેટ બજેટ બની રહેશે. કમિશનરે રજૂ કરેલા ડ્રાફટ બજેટમાં રૂપિયા 6200 કરોડ રેવન્યુ તથા કેપિટલ કામ માટે રૂપિયા 7801 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

વર્ષ-2025-26 માટે રૂપિયા 2800 કરોડ પુરાંત દર્શાવવામા આવી છે.સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-થ્રી અંતર્ગત ઈન્દિરાબ્રિજથી નર્મદા મેઈન કેનાલ સુધી ડેવલપ કરવા રૂપિયા એક હજાર કરોડની  ફાળવણી કરવામાં આવી છે. સાત ઝોનના 48 વોર્ડમાં લોકોન માટે રોડ,ગટર અને પાણી સહીતના કામો કરવા રૂપિયા એક હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.

મ્યુનિ.કમિશનરના ડ્રાફટ બજેટમાં કરવેરા દરમાં કોઈ વધારો કરવામા આવ્યો નથી. દર વર્ષે 0.2 ટકાના દરથી લેટીંગ રેટ મુજબ પ્રોપર્ટીટેકસના દરમાં વર્ષ-2025-26માં પણ ગત વર્ષે કરવામા આવેલા ઠરાવ મુજબ વધારો થશે. શહેરમાં નવા રોડ અને બ્રિજની કામગીરી પાછળ રુપિયા 1600 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

14001 કરોડના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં શહેરવાસીઓને જુઓ શું-શું મળ્યું 2 - image

અમદાવાદનું વર્ષ 2025-26 માટેનું ડ્રાફટ બજેટ રજૂ કરતા મ્યુનિસિપલ કમિશનરે કહયુ,બજેટ માટે શહેરીજનો તરફથી કુલ 2951 સુચન મળ્યા હતા. આ પૈકી 2019 સુચન રોડ,ડ્રેનેજ,પાણી અને લાઈટની સુવિધાને લગતા હતા. આવેલા સુચનો પૈકી શકય એટલા સુચનોને બજેટમાં આવરી લેવા પ્રયાસ કર્યો છે.સાત ઝોનમાં લોકોને પુરી પાડવામાં આવતી પ્રાથમિક સુવિધા માટે વર્ષ-2024-25માં રૂપિયા 650 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. 

જેમાં ૫૩ ટકાનો વધારો કરીને વર્ષ-2025-26 માટે રૂપિયા એક હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.જાસપુર ખાતે 400 મિલીયન લિટર પર ડેની ક્ષમતા ધરાવતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા રૂપિયા 200 કરોડની  ફાળવણી કરવામાં આવી છે.એ.એમ.ટી.એસ. માટે નવી 120 એ.સી.ઈલેકટ્રિક બસ જી.સી.સી.મોડલથી સંચાલનમાં મુકવામાં આવશે તથા બી.આર.ટી.એસ.માટે નવી 100  મીની ઈલેકટ્રિક બસ લાસ્ટ માઈલ કનેકટિવીટી સાથે રૂપિયા પંદર કરોડના ખર્ચે સંચાલનમાં મુકવા બજેટમાં આયોજન કરવામાં આવ્યુ છે.

14001 કરોડના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં શહેરવાસીઓને જુઓ શું-શું મળ્યું 3 - image

નેટ ઝીરો પોલીસી અંતર્ગત નવી 200 ઈલેકટ્રિક બસ માટે રૂપિયા 20  કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.શહેરના વિવિધ રસ્તા અને બગીચા તથા ચાલીઓમાં 10 હજાર સ્ટ્રીટપોલ ઉભા કરવામાં આવશે.શહેરના વિવિધ વિસ્તારમાં નવા 22 બગીચા બનાવાશે તથા હયાત 28 બગીચાનુ નવીનીકરણ કરવામા આવશે.આ માટે બજેટમાં રૂપિયા ૨૮ કરોડની ફાળવણી કરવામા આવી છે.અમદાવાદમા પાંચ સ્થળે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા પાંચ કરોડ તથા આંતરરાષ્ટ્રીય ફલાવર શો-2026નુ આયોજન કરવા રૂપિયા 15 કરોડની ફાળવણી  કરવામાં આવી છે.

14001 કરોડના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં શહેરવાસીઓને જુઓ શું-શું મળ્યું 4 - image

લાંભા, નારોલ તથા શાહીબાગમાં નવા ફાયર સ્ટેશન બનાવવા રૂપિયા ૫૪ કરોડ તથા વટવા જી.આઈ.ડી.સી.ખાતે ફાયર ચોકી બનાવવા રૂપિયા 1.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે.રૂપિયા 125 કરોડના ખર્ચથી ફાયર વિભાગ માટે વિવિધ સાધનોની ખરીદી કરવામા આવશે.શહેરમાં પાંચ નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવા રૂપિયા 20 કરોડ તથા હયાત 8 અર્બન હેલ્થ સેન્ટરનુ નવીનીકરણ કરવા રૂપિયા 29 કરોડની ફાળવણી ડ્રાફટ બજેટમાં કરવામાં આવી છે.

રાજયમાં પ્રથમ વખત મ્યુનિ.ડેન્ટલ હોસ્પિટલમાં કલેકટ કેર પ્રોજેકટ હેઠળ બાળકોને તાળવામાં, નાકમાં થતી તકલીફની સંપૂર્ણ સારવાર રૂપિયા 57.27 લાખના ખર્ચથી તબીબી સાધનો વસાવી આપવામાં આવશે.સરખેજ રોઝાનો હેરિટેજ મેન્યુમેન્ટમાં સમાવેશ થતો હોવાથી રોઝા આસપાસના વિસ્તારને હેરિટેજ થીમ આધારીત ડેવલપ કરવા રૂપિયા બે કરોડની ફાળવણી કરવામાં આવી છે.જેમાંથી રોડ,ફૂટપાથ વગેરે કામગીરી કરવામાં આવશે.વ્હાઈટ ટોપીંગ પઘ્ધતિથી શહેરમાં આવેલા જંકશન ડેવલપ કરવા રૂપિયા 10 કરોડની ફાળવણી બજેટમાં કરવામાં આવી છે.

રૂપિયા 480 કરોડનું મ્યુનિ.નું દેવું

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 200 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત રિવરફ્રન્ટ ફેઝ ટુ માટે ત્રણ વર્ષ પહેલા જી.એસ.એફ.સી.પાસેથી રૂપિયા 350 કરોડની લોન લેવામાં આવી હતી. આ લોનની રકમ પૈકી રૂપિયા 70 કરોડની ચૂકવણી કરાઈ છે.હાલમાં રૂપિયા 480 કરોડનું મ્યુનિ.તંત્રનુ દેવુ છે.

મહિલાઓ માટે વોર્ડ લેવલે સી લોન્જ બનાવાશે

મહિલાઓ માટે વોર્ડ લેવલે આધુનિક સી-લોન્જ બનાવવા બજેટમાં આયોજન કરવામાં આવ્યુ છે.આ ઉપરાંત દરેક મહિલા કોર્પોરેટર અને મ્યુનિ.માં કામ કરતા ૪૦ વર્ષથી વઘુની વયના  મહિલા કર્મચારીઓનું વર્ષમાં એક વખત કન્સેશનલ રેટથી એસ.વી.પી.હોસ્પિટલમાં નિદાન કરવામા આવશે.ઝોન દીઠ ત્રણ પિન્ક ટોઈલેટ બનાવવા તથા બી.આર.ટી.એસ.રુટમાં ફીડર તરીકે પિંક રીક્ષાનું આયોજન કરી મહિલા અરજદારોને ડ્રાઈવીંગની તાલિમ આપી સી.એસ.આર.ફંડ હેઠળ આર્થિક સહાય અપાવવામાં આવશે.

 લૉ-ગાર્ડન પરિસર માટે 97 કરોડ ખર્ચાશે

લો-ગાર્ડન આસપાસ આવેલા મીઠાખળીથી સી.જી.રોડ ગીરીશ કોલ્ડ્રીંક જંકશન, ગુલબાઈ ટેકરાથી સમર્પણ સર્કલ,સી.જી.રોડ જંકશનથી લો-ગાર્ડનથી જલારામ,ચકલી સર્કલથી કોમર્સ છ રસ્તા સુધી ૬.૬ કિલોમીટરના એરીયાને ડસ્ટ ફ્રી, પ્લાન્ટેશન, ઓનસ્ટ્રીટ પાર્કીંગ સહીતની સુવિધા સાથે પ્રીસેન્ટ એરીયા તરીકે ડેવલપ કરવા રૂપિયા ૯૭.૧૦ કરોડનો ખર્ચ કરાશે.

 ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી બજેટ 

ઓલિમ્પિક 2036 ને ધ્યાનમાં લઈ અમદાવાદ શહેરમાં સ્પોર્ટસ પ્રવૃત્તિને વેગ આપવા માટે AMCના દરેક ઝોનમાં વિવિધ જગ્યાએ સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર સ્થાપવાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. 

2023-24માં 10801 કરોડનું બજેટ હતું 

ઉલ્લેખનીય છે કે 2023-24માં એએમસી દ્વારા 10801 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ તેમજ નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ આસપાસના રોડને સ્પોર્ટસ થીમ આધારીત ડેવલપ કરાશે. નેટ ઝીરો અંતર્ગત રિસાયકલ મટીરીયલ, રીન્યુએબલ મટીરીયલ, લોકલ સોર્સ મટીરીયલ, પરમીટેબલ પેવમેન્ટ, એનર્જી એફિશિયન્ટ કન્સ્ટ્રક્શન મશીનરીનો ઉપયોગ કરી રોડની કામગીરી કરવા પ્લાનિંગ કરવાનું આયોજન કરવાની જોગવાઈ કરાઈ છે.

14001 કરોડના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં શહેરવાસીઓને જુઓ શું-શું મળ્યું 5 - image

AMTSને નવી 120 બસ મળશે 

AMTSમાં નવી 120 બસ ઉમેરવામાં આવશે, આર.ટી.ઓ. ખાતે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ વિકસાવાશે. ઘુમા ખાતેના પ્લોટમાં ઈન્ટીગ્રેટેડ મોડલનું ટર્મિનસ બનાવશે તથા ડેઇલી ટીકીટ પાસ મોબાઇલ એપ દ્વારા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

14001 કરોડના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં શહેરવાસીઓને જુઓ શું-શું મળ્યું 6 - image

Tags :