મોદી-શાહના સૂત્રથી એકદમ વિરુદ્ધ AMCના 'કઠિયારા', 30 વર્ષ જૂનાં 200 વૃક્ષો કાપી નાખ્યાં, હજુ 100 કાપશે
AMC Cut down more than 200 Trees on S.G. Highway: એક તરફ વડાપ્રધાન મોદી અને અમિત શાહ વૃક્ષો ઉછેર માટે ‘એક વૃક્ષ માતાના નામે’ કરવાની પ્રજાને અપીલ કરે છે. બીજી તરફ એસ.જી. હાઈવે પર મકરબાથી કર્ણાવતી ક્લબને જોડતા નવા બ્રિજના બાંધકામ પહેલા એક સાથે કોર્પોરેશનના કર્મચારીઓ ઉર્ફે ‘કઠિયારાઓ’ (પહેલાંના સમયમાં જે વૃક્ષો કાપવાનું કામ કરતાં તેને કઠિયારા કહેવાતા) દ્વારા બસો જેટલા ત્રીસ વર્ષ જૂના વિશાળ વૃક્ષોને પંદર જ દિવસમાં ધરમૂળથી ઊખેડી નાંખતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. એટલું જ નહીં, હજુ તેઓ બીજા 100 વૃક્ષોને પણ જમીનદોસ્ત કરવાના છે.
વૃક્ષોનું ઝડપથી પતન
પંદર દિવસ પહેલાં અહીં અઢીસોથી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા હતા અને નવા બ્રિજની જાહેરાત થતાં જ દરેક વૃક્ષોને કાપવા માટેનું માર્કિંગ પણ કરી દેવામાં આવ્યું હતું. વૃક્ષો કાપવામાં જરાય મોડું ન કરતાં તંત્રે વધુ હોબાળો ના થાય એ માટે બસો જેટલાં વૃક્ષોને કાપીને સગેવગે કરી દેતા અહીં વસતા અનેક લોકોને ભારે આશ્ચર્ય થયું હતું. હાલમાં જે વૃક્ષો જોવા મળી રહ્યા છે તે પણ થોડા જ દિવસ પછી કાપવામાં આવશે.
ગ્રીન બિલ્ડિંગ એરિયા નષ્ટ થશે?
સ્થાનિકોનું કહેવું છે કે, વકરતો જતો ટ્રાફિક અને અસંખ્ય રજિસ્ટર્ડ ગ્રીન બિલ્ડિંગ ધરાવતા આ રસ્તા પર એવા લોકોની ઓફિસ છે જેમણે ગ્રીનરીને પ્રાધાન્ય આપીને આ ઓફિસમાં વીસ ટકા ભાવ વધુ આપ્યો છે. પરંતુ હવે સ્થિતિ એવી આવી છે કે આ બિલ્ડિંગ તરફ લઈ જતા રસ્તા પર આવેલા વર્ષો જૂના વૃક્ષોને ધરાશયી કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાના કોર્પોરેશનના ડેટા ચેક કરીએ તો સૌથી વધુ ગ્રીન બિલ્ડિંગ ધરાવતા વિસ્તારોના રોડ પરથી જ હરિયાળા મોટા વૃક્ષોનો ખાતમો બોલાવવવામાં આવી રહ્યો છે.
સ્થાનિકોનો સવાલ છે કે, શું વૃક્ષો કાપ્યા વગર વિકાસ ના થઈ શકે? જે તે સમયે આ વૃક્ષો છાંયડો આપતા હતા અને રસ્તાના કિનારે હતા જે હવે વચ્ચે આવતા તેને સમજ્યા વિના જ કાપવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં કુલ 719 જેટલા રજીસ્ટર્ડ ગ્રીન બિલ્ડિંગ છે જેમાં સૌથી વધુ એસ.જી. હાઈવે અને તેની આસપાસના વિસ્તારોમાં છે. આ સિવાય આંબાવાડી, નવરંગપુરા, વસ્ત્રાપુર, સાયન્સ સિટી જેવા વિસ્તારોમાં ગ્રીન બિલ્ડિંગોને આવેલા છે.
એક તરફ ગ્રીન બિલ્ડિંગને પ્રાધાન્ય તો બીજી તરફ આડેધડ વૃક્ષો ધરાશયી કરવાની નીતિને લઈને સ્થાનિકોએ અહીંના વૃક્ષો ના કપાય તે માટે કોર્પોરેશને સમજવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી છે.