ટ્રાફિક સિગ્નલ બનશે સ્માર્ટ, જ્યાં વાહન વધુ ત્યાં ગ્રીન લાઈટનો સમય વધી જશે, AMCની જાહેરાત
Smart Traffic Signal: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જૂની બોટલમાં નવા દારૂ જેવી 'સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ' યોજના ફરી એકવાર શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એડેપ્ટિવ ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમ (ATCS)ના નામે હવે સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ બનાવશે.
આ સિસ્ટમની મદદથી લોકોને ટ્રાફિક સિગ્નલ પર લાંબો સમય ઉભા રહેવાથી મુક્તિ મળશે તેવો દાવો કરાયો છે. પાંચ વર્ષ અગાઉ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની સિસ્ટમ લાવવાની જાહેરાત કરાઇ હતી.
હવે સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ બનાવશે
વિચાર કરો એ સ્થિતિની જ્યારે તમને ટ્રાફિક સિગ્નલ પર રાહ જોવી કેટલી કંટાળાજનક લાગે છે. જ્યારે તમે જુઓ કે બીજી લેનનું સિગ્નલ ગ્રીન છે પણ ત્યાં કોઈ વાહન જ નથી. ઘણી વખત અન્ય સિગ્નલ પર વધારે વાહનો નહીં હોવા છતાં ટ્રાફિક સિગ્નલમાં જે સમય મર્યાદા અગાઉથી ફિટ કરેલી છે તેના માટે નાછૂટકે રાહ જોવી પડે છે.
આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે અમદાવાદના ટ્રાફિક સિગ્નલોને સ્માર્ટ બનાવવામાં આવશે. આ પ્રકારની ATCSમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ધરાવતા કેમેરા લગાવાશે. જેના દ્વારા જે જગ્યાએ વાહનની કતાર વધુ હશે ત્યાં ઓટોમેટિક સિગ્નલનો ગ્રીન ટાઇમ વધી જશે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ધરાવતા કેમેરા લગાવાશે
ધારો કે, કોઈ ચાર રસ્તા પર એક સાઈડ ના સિગ્નલ ખુલવાનો 90 સેકંડનો સમય હોય અને ત્યાં ટ્રાફિક વધારે હોય અને બીજી સાઈડ ટ્રાફિક ઓછો હોય તો સિસ્ટમ ઓટોમેટિક બધી બાજુ ના ટ્રાફિકને ધ્યાને લઈને રેડ ટાઈમ ઘટાડીને 60 સેકન્ડ થઈ જાય. જેથી સિગ્નલ પર વેઇટિંગ ટાઇમ ઓછો થઈ જાય અને ચાલકોને જલ્દી નીકળવા મળે.
આ સિસ્ટમમાં જેવો ટ્રાફિક ક્લિયર થઈ જશે કે તરત જ સિગ્નલ બંધ થઈ જશે અને બીજી લેન માટે સિગ્નલ ખુલી જશે. અત્યારે ટ્રાફિક સિગ્નલ પરના ટાઈમર્સ ફિક્સ કરેલા છે. જ્યારે નવા ટ્રાફિક સિગ્નલ આવી જશે ત્યારે તે ટ્રાફિકના હિસાબે કામ કરશે. જેથી વાહનચાલકોનો સમય બચશે.
આ સિસ્ટમ કઈ રીતે કામ કરતી હોય છે
ATCS સિગ્નલ્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કેમેરાથી કામ કરશે. સામાન્ય રીતે આ સિસ્ટમ એવી રીતે કાર્યરત હોય છે જેમાં જો તેની 30 મીટરની રેન્જમાં કોઈ વાહન નહીં હોય તે સિગ્નલ જાતે જ બંધ થઈ જશે અને બીજી લેન માટે રસ્તો સાફ થઈ જશે.