Get The App

બાપુનગરમાં કોન્ટ્રાક્ટરને પૈસા ઉઘરાવવા AMCએ પરવાનો આપ્યો, પે એન્ડ પાર્કિગને લઈ વેપારીઓનો વિરોધ

AMCએ પાર્કિંગ ટેન્ડર બહાર પાડતા વેપારીઓ ભીડભંજન માર્કેટ બંધ રાખીને રસ્તા પર ઉતર્યા

પાર્કિંગના પૈસા માટેની જે ચિઠ્ઠી આપવામાં આવી રહી છે તેમાં કોન્ટ્રાક્ટરનો ક્યાંય પણ મોબાઈલ નંબર લખવામાં આવ્યો નથી

Updated: Aug 26th, 2023


Google NewsGoogle News
બાપુનગરમાં કોન્ટ્રાક્ટરને પૈસા ઉઘરાવવા AMCએ પરવાનો આપ્યો, પે એન્ડ પાર્કિગને લઈ વેપારીઓનો વિરોધ 1 - image



અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. વધી રહેલી વાહનોની સંખ્યાને કારણે પાર્કિંગની સમસ્યા પણ વધી રહી છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં બાપુનગર ભીડભંજન રોડ પર પે એન્ડ પાર્ક શરૂ કરવામાં આવતાં સ્થાનિક વેપારીઓ વિફર્યા હતાં અને દુકાનો બંધ કરીને વિરોધ કર્યો હતો. AMC દ્વારા ઓન રોડ પે એન્ડ પાર્કિંગ શરૂ કરવામાં આવતા આજે વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. ભીડભંજન રોડ ઉપર આશરે 200થી વધુ દુકાનો આવેલી છે. તમામ દુકાનના વેપારીઓએ દુકાનો બંધ રાખી અને વિરોધ પ્રદર્શન કર્યું છે. 

સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો

સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.AMCના ઉત્તર ઝોન દ્વારા પે એન્ડ પાર્કિંગનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જે સમગ્ર બાબતને લઈ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ટ્રાફિકગ્રસ્ત રોડથી હોવાથી સમસ્યામાં વધારો થશે જેને લઈ  ટેન્ડર પ્રક્રિયા ન કરવા માટે જવાબદાર અધિકારીને જાણ કરાઈ હતી. બાપુનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર અશ્વિન પેથાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, ભીડભંજન હનુમાન મંદિર રોડ ઉપર ઓન રોડ પે એન્ડ પાર્કિંગ માટેનું અગાઉ ટેન્ડર આવ્યું હતું. તે જ સમયે મેં અધિકારીઓને જાણ કરી હતી કે આ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા વધુ રહે છે અને અહીંયા જો પે એન્ડ પાર્કિંગ કરવામાં આવશે તો વધારે ટ્રાફિકની સમસ્યા થશે અને લોકોનો વિરોધ થશે.

200થી વધુ વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી

આ રોડ ઉપર પે એન્ડ પાર્કિંગનું ટેન્ડર કરવામાં આવતા સ્થાનિક ભાજપના કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે આ રોડ સૌથી વ્યસ્ત રોડ છે. સાંજના સમયે તેમજ પીકઅપ દરમિયાન આ રોડ ઉપર લોકોની અવર-જવર વધુ હોય છે. જો ત્યાં પે એન્ડ પાર્કિંગ કરવામાં આવે તો વધારે સમસ્યા થશે. જેથી આ ટેન્ડર પ્રક્રિયા ન કરવા માટે તેઓએ અધિકારીઓને જાણ કરી હતી. તેમ છતાં પણ મ્યુનિસિપલ કમિશનર અને ઉત્તર ઝોનના અધિકારીઓએ ઉપરવટ જઈ પે એન્ડ પાર્કિંગનું ટેન્ડર મંજુર કર્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભીડભંજન હનુમાન મંદિર રોડ ઉપર પે એન્ડ પાર્કિંગ શરૂ કરવામાં આવતા આજે 200થી વધુ વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી અને વિરોધ દર્શાવ્યો છે. 

પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો

ભીડભંજન હનુમાન મંદિર રોડ ઉપર આવેલી દુકાનોની આસપાસ ક્યાંય પણ પે એન્ડ પાર્કિંગ નથી. ત્યાં વાહન પાર્કિંગ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે વેપારીઓ રોડ ઉપર જ વાહન મૂકે છે, પરંતુ કોર્પોરેશન દ્વારા હવે આવા રોડ ઉપર વાહન પાર્કિંગ કરનારા સામે પૈસા ઉઘરાવવાનું શરૂ કરતાં વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વ્રજ સિક્યુરિટી એન્ડ પાવર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ત્યારે પાર્કિંગના પૈસા માટેની જે ચિઠ્ઠી આપવામાં આવી રહી છે તેમાં કોન્ટ્રાક્ટરનો ક્યાંય પણ મોબાઈલ નંબર લખવામાં આવ્યો નથી. ત્યાં કોઈપણ સમય લખવામાં આવતો નથી. આમ કોન્ટ્રાક્ટરને માત્ર પૈસા ઉઘરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ પરવાનો આપી દીધો હોય તેવું સ્પષ્ટ રીતે જણાય છે.



Google NewsGoogle News