અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન કચરામાંથી 'કંચન' બનાવશે, પ્રતિ કલાક 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે
Ahmedabad Municipal Corporation: વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટ અંતર્ગત અમદાવાદમાં 1000 ટન કચરામાંથી હવે 15 મેગાવોટ વીજળી મળતી થશે. પંદર મેગાવોટ પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતાં પ્લાન્ટનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 1 નવેમ્બર શુક્રવારે આરંભ કરાવશે.
પંદર મેગાવોટ ક્ષમતા ધરાવતા પ્લાન્ટનો કેન્દ્રીય ગૃહમંત્રી આવતી કાલે શુક્રવારે આરંભ કરાવશે
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરમાંથી એકત્ર કરવામાં આવતા ઘન કચરા પૈકી દૈનિક એક હજાર ટન કચરાને પ્રોસેસ કરી વીજળી ઉતપન્ન કરવા જીંદાલ અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચરને પ્લાન્ટ શરુ કરવા વર્ષ-2016માં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. પ્લાન્ટ શરુ કરવાની સમય મર્યાદામાં નવેમ્બર-2024 સુધીનો વધારો કરી આપવામાં આવ્યો હતો.
એજન્સી દ્વારા મ્યુનિસિપલ કૉર્પોરેશનના સોલીડ વેસ્ટને આરડીએફ બેઇઝ ઇન્સીનરેશન ટૅક્નોલૉજીની મદદથી બોઇલરમાં વેસ્ટ ઇન્સીનરેટ કરી 65 ટીએચપી સ્ટીમ જનરેટ કરવામાં આવશે.આ સ્ટીમ વડે પંદર મેગાવોટ પ્રતિ કલાકની ક્ષમતાના ટર્બાઇન મારફતે પંદર મેગાવોટ પ્રતિ કલાક વીજળી ઉત્પન્ન કરવામાં આવશે.
ઉત્પન્ન થનારી વીજળી જી.ઈ.બી.ની પાવરગ્રીડમાં સપ્લાય કરાશે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા એજન્સીને પ્રતિ કિલો હોર્સ રુપિયા 6.31 તથા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને પ્રતિ કિલો હોર્સ રુપિયા 0.76 વાયેબીલીટી ગેપ ફંડ તરીકે આપવામાં આવશે.