Get The App

અંબાલાલ પટેલની આગાહી: આ જિલ્લાઓ માટે આગામી 48 કલાક 'ભારે', અમદાવાદમાં પણ ત્રાટકશે વરસાદ

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
Ambalal patel


Ambalal Patel Rain Prediction: હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદી સ્થિતિનું અનુમાન લગાવતા જણાવ્યું હતું કે, એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં મેઘરાજા મહેરબાન રહેશે. જ્યારે આગામી 6 અને 7 જુલાઈના રોજ રાજ્યના મધ્ય ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાં બહોળા પ્રમાણમાં વરસાદી માહોલ રહેશે. આ ઉપરાંત, પંચમહાલના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.

રાજ્યમાં 8થી 14 તારીખમાં ધોધમાર વરસાદ પડશે

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં આગામી દિવસોમાં 8થી 14 તારીખમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવી હતી.

અષાઢી બીજે રાજ્યમાં વરસાદી માહોલ મંદ રહેશે: અંબાલાલ પટેલ

અષાઢી બીજના દિવસની આગાહી કરતાં અંબાલાલે કહ્યું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ મંદ રહેશે. જેમાં છૂટાછવાયા વાદળો રહેવાની સાથે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં છાંટા પડવાની શક્યતા છે. આ ઉપરાંત, 14થી 22 તારીખમાં રાજ્યમાં વરસાદ પડવાની આગાહી છે.

રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

રાજ્યના ઘેડ પંથકમાં અતિશય વરસાદને લઈને નજીકના કેટલાંક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈને અંબાલાલે જણાવ્યું હતું કે, રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે ત્યારે જો સતત આવી જ રીતે વરસાદી માહોલ છલાયેલો રહેશે તો રાજ્યના કેટલાંક વિસ્તારોમાં તારાજી સર્જાઈ શકે છે.


Google NewsGoogle News