અંબાલાલની આગાહી: આગામી 4 દિવસ બફારામાં બળશે ગુજરાત, વરસાદના નથી અણસાર
Gujarat Rain Updates : વરસાદી સિઝનની શરૂઆત બાદ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ધોધમાર વરસાદને પગલે ઘેડ પંથક સહિત કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. તેવામાં છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં વરસાદી માહોલ શાંત છે, ત્યારે આગામી 3 દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં રાજ્યના નવસારી, સુરત અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડશે. જ્યારે રાજ્યના બાકીના જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહિવત રહેશે. બીજી તરફ, રાજ્યમાં વરસાદની સ્થિતિનું અનુમાન કરતાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ન હોવાથી લોકોને ગરમી સહન કરવાનો વારો આવશે.
15 જુલાઈ સુધી બફારો, 16 જુલાઈ પછી વરસાદની રમઝટ
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રના પવનો નબળા રહેતા રાજ્યમાં આગામી 11 થી 15 જુલાઈ દરમિયાન કોરુ ધાકોર વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સાથે રાજ્યમાં વરસાદી ઝાપટા અને દરિયા કિનારોમાં વરસાદી માહોલ રહેશે. આમ રાજ્યમાં 16 જુલાઈ પછી મેઘરાજા ફરી સક્રિય થતાં રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે. આ પછી 17 થી 24 જુલાઈમાં રાજ્યમાં વરસાદનું જોર રહેશે. બીજી તરફ, 14 અને 15 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં નોંધાયો વરસાદ
હવામાન વિભાગે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદના આંકડા જાહેર કર્યા હતા. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સુરેન્દ્રનગરના દસાડામાં પોણા 2 ઈંચ, બોટાદના તાલુકામાં 2 ઈંચ, મોરબીના ટંકારામાં સવા ઈંચ, માળીયાના હાટીના, છોટા ઉદેપુરના બોડેલી, લીલીયા, પાટણ-વેરાવળ, કુકાવાવ, ખાંભા અને ભાણવડમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો
રાજ્યમાં અત્યાર સુધીના સિઝનના વરસાદમાં સૌથી વધુ સારો વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં નોંધાયો છે. જોવા જઈએ તો રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.46 ટકા વરસાદ નોંધાયો હોવાના આંકડા સામે આવ્યાં છે. જેમાં સૌરાષ્ટ્રમાં 35.44 ટકા, કચ્છમાં 34.87 ટકા, દક્ષિણ ગુજરાતમાં 27.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 17.78 ટકા અને મધ્ય ગુજરાતમાં 16.39 ટકા વરસાદ નોંધાયો છે.