ગુજરાતમાં આગામી આઠ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી, દરિયો બનશે તોફાની, ફૂંકાશે ભારે પવન
Ambalal Patel Predicts : હવામાન વિભાગે આગામી 6 ઓગસ્ટ સુધી રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતાં આગામી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે શું કહ્યું
રાજ્યમાં હળવાથી ભારે વરસાદી માહોલ વચ્ચે આગામી દિવસોને લઈને અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે, '3થી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે આગામી 3-4 ઓગસ્ટે રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં તાપી, નર્મદા સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિ ઉભી થશે. તેવામાં મધ્ય પ્રદેશની સાથે-સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, 16થી 22 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે 23 ઓગસ્ટથી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.'
દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશન શરૂ થવાથી 45થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે, ત્યારે કાંઠા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
મચ્છર-માખીનું પ્રમાણ વધવાથી રોગચાળો ફેલાય શકે છે
અંબાલાલે કહ્યું હતું કે, '16 ઓગસ્ટે મગધ નક્ષત્રમાં સૂર્ય આવવાથી રાજ્યમાં સારો એવો વરસાદ રહેશે. જ્યારે ભારેથી અતિભારે વરસાદી પરિસ્થિતિને લઈને મચ્છર-માખીનું પ્રમાણ વધવાથી રોગચાળો ન ફેલાય તેની કાળજી રાખવી. આ ઉપરાંત કૃષિપાકમાં રોગ ફેલાય શકે છે.'