અંબાલાલ પટેલની આગાહી: આ જિલ્લામાં ફરી પડશે ધોધમાર વરસાદ, બે દિવસ મેઘ-મહેર થવાની શક્યતા

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
Ambala Patel


Ambalal Patel Rain Prediction : રાજ્યમાં થોડા દિવસથી વરસાદી માહોલ શાંત છે. તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી બે દિવસને લઈને વરસાદની આગાહી કરી છે. આ સાથે રાજ્યમાં 17 થી 24 જુલાઈ ધોધમાર વરસાદ પડવાની શકયતા છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય ન થતાં વરસાદ નબળો પડ્યો હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

આગામી બે દિવસ વિજળી સાથે વરસાદ પડશે

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, અષાઢી બીજના દિવસે અનેક વિસ્તારોમાં વાદળો છવાયેલું વાતાવરણ રહ્યું હતું. તેવામાં સુરેન્દ્રનગરના પાટડી અને દસાડામાં વિજળી પડી હોવાનું સામે આવ્યું હતું. આમ અષાઢ સુદ પાંચમ સુધીમાં રાજ્યમાં વિજળી થવાની શક્યતા રહેશે. આ પછી રાજ્યમાં ધીરે ધીરે વરસાદની માત્રમાં વધારો થઈ શકે છે. જેમાં આગામી બે દિવસ વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કિનારાના વિસ્તારોમાં બોટાદ, વડોદરા, ભાવનગર, શિનોર, પાદરા સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદ પડી શકે છે. 

17થી 24 જુલાઈ રાજ્યમાં અતિ ભારે વરસાદ પડશે

આગામી ત્રણ દિવસ પછી બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે. આ સ્થિતિમાં આબોહવાના કારણે બંગાળના ઉપસાગરમાં હલચલ થઈ શકે છે. આ ઉપરાંત 15 જુલાઈએ સિસ્ટમ સક્રિય થવાની સંભાવના હોવાથી 17 થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદી માહોલ રહેશે.

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય ન થતાં વરસાદ નબળો પડ્યો

અંબાલાલ પટેલે રાજ્યના કેટલાંક ભાગોમાં હળવા વરસાદી માહોલ સામે તારણ આપ્યું હતું કે, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ચોમાસાએ પ્રવેશ કર્યો હોવાથી રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ નિર્માણ પામી હતી. તેવામાં જો બંગાળની ખાડીમાંથી ચોમાસુ પસાર થાય તો રાજ્યમાં સારી વરસાદી સ્થિતિ રહી શકે છે. આ ઉપરાંત, બંગાળના ઉપસાગરનું વહન નબળું હોવાથી સિસ્ટમ સક્રિય થઈ શકતી નથી. પરંતુ હવે ધીમી ગતિએ સિસ્ટમમાં પરિવર્તન આવશે.


Google NewsGoogle News