અંબાલાલ પટેલે કરી અનરાધાર વરસાદની આગાહી: આ તારીખથી સાત દિવસ થશે મેઘમહેર

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
Rains


Ambalal Patel Predicted : રાજ્યમાં આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 17 જુલાઈથી સતત 7 દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે. આ આગાહી મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જો કે, રાજ્યમાં જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆતથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 17 થી 24 જુલાઈ ધોધમાર વરસાદ પડશે

અંબાલાલ પટેલના જણાવ્યાં પ્રમાણે, વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં 17 જુલાઈથી 24 જુલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાં છે. જેમાં મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, રાજકોટ, જામનગર, ભાવનગર સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડશે. આ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લામાં વરસાદ પડવાની શક્યતાં છે. આ દરમિયાન આગામી ઓગસ્ટ મહિનામાં વધુ એક સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે. 

આવતી કાલે અહીં પડશે ભારેથી અતિભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે. ત્યારે 15 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભરુચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં અતિભારે વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ખેડા, મોરબી, પાટણ, અરવલ્લી, જામનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ પડ્યો

રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસથી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેવામાં આજે (14 જુલાઈ) છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લા સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. જેમાં કચ્છના કેટલાંક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો.

અંબાલાલ પટેલે કરી અનરાધાર વરસાદની આગાહી: આ તારીખથી સાત દિવસ થશે મેઘમહેર 2 - image


Google NewsGoogle News