ગુજરાતમાં અનરાધાર વરસાદની અંબાલાલની આગાહી, આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ
Ambalal Patel Forecast : રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે જુલાઈના અંત અને ઓગસ્ટ મહિનાની શરૂઆતથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 'આગામી 48 કલાકમાં રાજ્યમાં અતિભારે વરસાદને લઈને નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે. આ સાથે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ રહેશે.'
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે પૂરનું જોખમ
છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના દક્ષિણ ગુજરાતના અતિભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. જેમાં ડાંગ, વલસાડ, આહવા, સુરત, સહિતના દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, હળવદ, ધ્રાંગધ્રા, થાન, ચોટીલા, લીમડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ રહેશે.
આગામી 48 કલાક અમદાવાદ માટે ભારે
રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના આંકડા નોંધાયા છે. તેવામાં આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ સાથે અમદાવાદના મોટાભાગના વિસ્તારો અને તાલુકામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.