Get The App

અમદાવાદ પોલીસનો વીડિયો અમે શુટ કર્યો છે, તે ડીલીટ કરો 'નહીંતર જોઈ લઈશું'

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
અમદાવાદ પોલીસનો વીડિયો અમે શુટ કર્યો છે, તે ડીલીટ કરો 'નહીંતર જોઈ લઈશું' 1 - image


Ahmedabad Police Instagram : અમદાવાદ પોલીસ સતત લોકોની સેવામાં કાર્યરત છે. ક્રાઇમ રેટ વધતાં ગત અમુક દિવસથી અમદાવાદમાં પોલીસે જનતાને કાયદાનું પાલન કરવા કડકાઈ કરવાની ફરજ પડી છે. લોકોમાં આક્રોશ છતાં પોલીસ અડધી રાતે પણ આ કામકાજ મજબૂતાઈથી કરી રહી છે.

જોકે આ પોલીસની કાર્યવાહીના નામે અમુક લોકો પોતાની વાહવાહી કરતાં નજરે ચઢ્યા છે. અમદાવાદમાં સોશિયલ મીડિયામાં પોતાને કિંગપિંગ માનીને બેઠેલા એક પેજે પોલીસ માટે શૂટ કરેલ એક વીડિયો બાબતે સોશિયલ મીડિયામાં ખુલ્લી દાદાગીરી કરતાં મામલો હવે CP ઑફિસ સુધી પહોંચ્યો છે.

અમેઝીંગ અમદાવાદના ઇસ્ટાગ્રામ સોશિયલ મીડિયાના પેજના સંચાલકોએ અન્ય ઇન્સ્ટાગ્રામ પેજના સંચાલકોને અમદાવાદ પોલીસના પેજ પરથી ડાઉનલોડ કરેલો વીડિયો ડીલીટ કરવાના કડકાઈ ભરેલા આદેશ સાથે સ્ટ્રાઇક મારીને પેજ બંધ કરાવવાની ધમકી આપવાનું કહીને પોલીસના નામે દાદાગીરી કરી હોવાની વિગતો સામે આવી છે. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવતાં પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને તપાસના આદેશ આપ્યા છે. 

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં એક યુવક ઇન્સ્ટાગ્રામ પર એક ખ્યાતનામ સેવાકીય પેજ ધરાવે છે. તેમાં અમદાવાદમાં બનતી સામાજિક, સાહસિક, ક્રાઇમ સહિતની ઘટનાઓના વીડિયોને અપલોડ કરે છે. આ પેજ પર અમદાવાદ પોલીસની ગઈકાલની જુહાપુરાની કામગીરી દર્શાવતો અમદાવાદ પોલીસના ઑફિશ્યલ પેજ પર અપલોડ થયેલા એક વીડિયોને ડાઉનલોડ કરીને એડિટ કરીને તેના પેજ પર અપલોડ કર્યો છે. 

આ ઉપરાંત, અમદાવાદમાં ઘણા સોશિયલ મીડિયા પર પોલીસનો આ વીડિયો અપલોડ કરવામાં આવે છે. અમદાવાદ અને અમદાવાદ પોલીસને પોતાના તાબા હેઠળનું માનીને બેઠેલા આ પેજના ઓનર ઠક્કરનગરના યુવકે પોતાના ઇન્સ્ટા પર અપલોડ કરેલા પોલીસના વીડિયો ડિલિટ કર નહિ તો બધું બંધ કરાવી દઈશ તેવી ધમકી આપી છે.

થોડા દિવસ પહેલા અમદાવાદ સિંધુભવન રોડ પર પોલીસે એક કારને રોકવાનો પ્રયાસ કર્યો અને કારચાલક ફરાર થઈ ગયો હતો. જેને અંતે પોલીસને ઝડપી લીધો હતો. આ વીડિયો અમદાવાદ પોલીસના ઇન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ થયો હતો. ત્યાર બાદ અન્ય ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ આ વીડિયો અપલોડ કરાયો હતો.   

જોકે આ વીડિયો અપલોડ થતાં અમેઝીંગ અમદાવાદ નામના ઇન્સ્ટાગ્રામ પેજના સંચાલક અને અમદાવાદ પોલીસનું સોશિયલ મીડિયા પોતાનું માનીને બેઠેલા માલિકો વતી પૂજા નામની યુવતીએ કોલ કરીને શહેરમાં મોટી લીડ ધરાવતા ઇન્સ્ટાગ્રામ પેજના સંચાલકોને એક બાદ એક ફોન કરીને સ્ટ્રાઇક આપવાની ખુલ્લી ધમકી આપીને વીડિયો ડીલીટ કરાવ્યો હતો. જ્યારે અન્ય નાના એકાઉન્ટમાં તો સ્ટ્રાઇક આપીને બંધ કરાવવાના પ્રયાસ કર્યા હતા.

તાજેતરની વાત કરીએ તો ગુરુવારે રાત્રે સેક્ટર-1 એડિશનલ પોલીસ કમિશ્નર નીરજ બડગુજરે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 400 જેટલા પોલીસ કર્મચારીઓને સાથે રાખીને જુહાપુરા વિસ્તારમાં મેગા કોમ્બીંગ હાથ ધર્યું હતું.

આ કામગીરીનો વીડિયો અમદાવાદ પોલીસે પોતાના ઓફિશ્યલ પેજ પર અપલોડ કર્યો હતો અને ત્યારબાદ પોલીસની કામગીરીને દર્શાવવા માટે ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવતા અન્ય લોકોએ ડાઉનલોડ કરીને અપલોડ કર્યો હતો. 

ત્યારે ફરીથી અમેઝીંગ અમદાવાદમાંથી પૂજા નામની યુવતીએ એક યુવકને ફોન કરીને ધમકી આપી હતી કે અમદાવાદ પોલીસ માટે અમારી ટીમ દ્વારા વીડિયો શૂટ કરીને અમદાવાદ પોલીસ માટે અપલોડ કરાયો છે. જેથી આ વીડિયો ડીલીટ કરી દો નહીંતર સ્ટ્રાઇક મારી દઈશું અને હવે પછી ફોન નહીં કરીએ, સીધી સ્ટ્રાઇક મારીને પેજ ડાઉન કરવાની ધમકી આપી હતી. યુવકે અમદાવાદ પોલીસનું પેજ પબ્લિક છે તેવી રજૂઆત કરતાં સામે તોછડાઈથી જવાબ આપ્યો કે એ બધું અમારું જ છે.

સામાન્ય નજરે અને કાયદાની રૂએ જોઈએ તો અમદાવાદ પોલીસ લોકોની સેવા માટે જ છે. પોલીસનું ઇન્સ્ટાગ્રામ પેજ પબ્લિકલ છે અને તેના વીડિયો કોઈ વ્યક્તિ પોલીસની હકારાત્મક બાબતને હાઇલાઇટ કરવા માટે લઈ પોતાના FB, Insta પેજ કે Whats App કે ગમે ત્યાં અપલોડ કરી શકે છે. તેમ છતાંય, અન્ય પેજના સંચાલકે ધમકી આપતાં સમગ્ર મામલો પોલીસ કમિશ્નર જી એસ મલિક અને સેક્ટર-1 એડિશન પોલીસ કમિશ્નર નીરજ બડગુજર સુધી પહોંચ્યો છે.

ઉચ્ચ પોલીસ અધિકારીએ આ પ્રકારની વર્તણૂક અને દાદાગીરી સામે તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત, અમેઝીંગ અમદાવાદના સંચાલક અને તેના વતી ફોન કરીને ધમકી આપનાર યુવતી સામે કડક કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવવા તપાસના ઘોડા છોડ્યા છે. સાથેસાથે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરવામાં આવશે.    




Google NewsGoogle News