ગણપતિ બાપ્પાને ખુશ કરવા માટે ભોગ ધરાવાતા લાડુ ભક્તોના આરોગ્ય માટે પણ લાભદાયક
માતા પાર્વતીજીએ કહ્યું હતું ગણેશજીને 21 મોદકનો ભોગ ધરાવે તેમની મનોકામના પૂર્ણ થશે
ચોખાના લોટના પડમાં નારિયેળ, ગોળ અને એલચી,જાયફળ વગેરેનું પૂરણ કરી તળવાના બદલે બાફીને મોદક બનાવાવમાં આવે છે: મહારાષ્ટ્રમાં ધરાવાતો પ્રસાદ હવે ગુજરાતમાં પણ ધરાવવામાં આવી રહ્યો છે
સુરત, તા. 25 સપ્ટેમ્બર 2023 સોમવાર
સુરત સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવ ઉજવાય રહ્યો છે તેમાં મોટા ભાગના ગણેશ મંડપમાં છપ્પન ભોગ બાપ્પાને ધરાવવામાં આવે છે પરંતુ આ છપ્પન ભોગ ઉપરાંત મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં ચોખાના લોટના પડમાં વિવિધ વસ્તુઓ નું પુરણ કરી બનાવાતો મોદક નું સ્થાન આજે પણ અડીખમ રહ્યું છે. મહારાષ્ટ્રમાં ઉકડે ચે મોદક નામે ઓળખાતો પ્રસાદ હવે ગુજરાતમાં પણ પ્રચલિત થઈ રહ્યો છે. ગણપતિ બાપ્પાને ખુશ કરવા માટે ભોગ ધરાવાતા આ (મોદક) લાડુ ભક્તોના આરોગ્ય માટે પણ લાભદાયક હોવાનું આયુર્વેદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સુરત સહિત સમગ્ર ભારતમાં ગણેશોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ગણપતિ બાપ્પાને રિઝવવા માટે ભક્તો દ્વારા વિવિધ પ્રકારના પ્રસાદ બાપ્પાને થાળમાં ધરાવવામાં આવે છે. ગણેશોત્સવના એક દિવસ દરમિયાન વિવિધ પ્રકારની વાનગીઓ સાથે છપ્પન ભોગ પણ ધરાવવામાં આવે છે. જોકે, બાપ્પાને છપ્પન ભોગ ધરાવવામાં આવતા હોવા છતાં મહારાષ્ટ્રીયન મોદક અચૂક ધરાવવામાં આવે છે. આ પ્રસાદ અંગે ફાલ્ગુની ધાવડે કહે છે, એવી લોકવાયકાઓ છે કે, ગણપતિજીને અનેક પ્રકારના ભોજન આપ્યા બાદ પણ તેમને તૃપ્તિ થતી ન હતી. તેથી પાર્વતી માતાએ પોતાના હાથે ચોખાનો લોટ, કોપરું અને ગોળ વગેરેનો ઉપયોગ કરીને એક ખાસ પ્રકારના મોદક બનાવ્યા હતા. આ પ્રકારના 21 મોદક ખાધા બાદ તેમને તૃપ્તી થઈ હતી. ગણપતિજીને 21 લાડુ આરોગ્ય બાદ તૃપ્તિ થઈ હતી તેથી પાર્વતી માતા એ એવું કહ્યું હતું મનુષ્ય જ્યારે ગણેશજીની પૂજા કરશે અને આવા 21 મોદકનો ભોગ ધરાવશે ત્યારે તેમની મનોકામના પૂર્ણ થશે. આ પ્રકારની લાક વાયકા બાદ ગણેશોત્સવમાં છપ્પન ભોગ પછી પણ આ મોદક અચુક ધરાવવામાં આવે છે.
પહેલા ફક્ત મહારાષ્ટ્રમાં જ આ પ્રકારનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો પરંતુ હવે અનેક મહારાષ્ટ્ર ગુજરાતમાં છે તેથી અનેક ગુજરાતી પરિવારો પણ આ પ્રકારના મોદક નો ભોગ બાપ્પાને ધરાવી રહ્યા છે. બાપ્પાને મોદક ધરાવ્યા બાદ તેનો પ્રસાદ લોકો આરોગે છે આ રીતે બનાવાયેલો પ્રસાદ લોકોના આરોગ્ય માટે સારો હોવાનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ કરવામા આવ્યો છે તેથી આ પ્રસાદ આરોગવા થી લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવે છે.
ઉકળે ચે મોદક આ રીતે બને છે
નારિયેળ, ગોળ અને એલચી,જાયફળ વગેરેનું પૂરણ તૈયાર કરવામા આવેછે અને ચોખાના લોટમાંથી બનાવેલા મળ તૈયાર કરી તેમાં આ પુરણ ભરવામાં આવે છે. પછી તેને તળવા ના બદલે બાફીને બનાવવામાં આવે છે તેને લાડુ અથવા મોદક કહેવામાં આવે છે. મરાઠી ભાષામાં આ વાનગીને ઉકડી કહેવામાં આવે છે ઉકળી એટલે ઉકાળેલું અને તેથી ઉકળી ચે મોદક પણ કહેવામાં આવે છે. પહેલા તો આ મોદકને હાથથી જ બનાવી જુદા જુદા આકાર આપવામાં આવતા હતા પરંતુ સમય જતાં લોકો પાસે સમયનો અભાવ હોવાથી હવે આવા પ્રકારના લાડુ બનાવવા માટે બીબા પણ બજારમાં મળી રહ્યાં છે તેનો પણ ઉપયોગ થઈ રહ્યો છે
દક્ષિણ ભારતમાં પણ મોદકનો પ્રસાદ હોય છે
ગુજરાત કે મહારાષ્ટ્ર જ નહીં પરંતુ કેરલા, આંધ્રપ્રદેશ અને તામિલનાડુના જેવા રાજ્યમાં પણ આ પ્રકારના મોદક બનાવી ભગવાન ગણેશજીને ભોગ તરીકે ચઢાવવામાં આવે છે. તમિલમાં આ મોદકને મોથગમ કોજુકટ્ટાઈ કહેવામાં આવે છે. જ્યારે મોદકમ અને કબુડુ, મોધક કન્નડમાં કહેવામાં આવે છે. તેલુગુમાં આ મોદકને કુડુમુ કહેવામાં આવે છે
મોદકમ તરીકે ઓળખવામા આવે છે. મોદક એ મહારાષ્ટ્રમાં બનતી મીઠાઈ કે વાનગી છે તેની ગણેશજીને મોદકનો પ્રસાદ આપી તેને ગ્રહણ કરવા પાછળ ગણેશજીની ભક્તિ સાથે સાથે લોકોના આરોગ્યની જાળવણીનો સંદેશો પણ આપવામા આવે છે.
આ મોદકને આરોગવાથી વજન ઓછું કરવામાં, કબ્જમાં, ફાયદો થવા સાથે બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે, આ ઉપરાંત ગોળ અને કોપરુ હોવાથી પ્રસાદ આરોગે છે તેના હાકડા પણ મજબુત થાય છે સાથે સાથે પાચન તંત્રમાં સુધારો કરવામાં પણ મોદક મદદરૂપ બનતા હોવાનું કહેવાય છે.