કરોડોની જમીન ભાજપના મોટા માથાઓને વેચી! અમદાવાદમાં જમાઈને ઠગનારા સસરા પર નવો આરોપ

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
કરોડોની જમીન ભાજપના મોટા માથાઓને વેચી! અમદાવાદમાં જમાઈને ઠગનારા સસરા પર નવો આરોપ 1 - image
Representative image

Land Dispute in Ahmedabad: અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા યુવકે તેની પત્ની, સસરા સહિત ચાર લોકો સામે ખોટા દસ્તાવેજો કરીને જમીન પચાવી લેવાના મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં યુવકના સસરા કાંતિભાઈ પટેલ સરદારધામમાં ટ્રસ્ટી હોવાથી ભાજપના મોટા નેતાઓ સાથે સંબંધ ધરાવતા હતા. જેથી બનાવટી દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયાની જમીન ભાજપના નેતાઓને વેચી દીધી હતી. એટલું જ નહીં બે વર્ષ સુધી સતત રજૂઆત કરવા છતાંય પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં છેવટે કોર્ટમાં દાદ માંગતા કોર્ટે પુરાવાના આધારે ક્રિમિનલ પ્રોસીઝર રિપોર્ટ કરીને પોલીસને આદેશ કરતાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

સસરાએ જમાઈની કરોડોની જમીન પચાવી પાડ્યાનો મામલો

પાલડી ધરણીધર જૈન દેરાસર પાસે આવેલા યોગેશ્વરનગર સોસાયટીમાં રહેતા વિરેન્દ્ર પટેલે તેના સસરા કાંતિભાઈ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં વર્ષ 2018માં વિરેન્દ્ર પટેલ ઓસ્ટ્રેલિયામાં હોવા છતાંય, તેમની બનાવટી સહી કરીને ભાગીદારમાંથી રીટાયર્ડમેન્ટ ડીડનો બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યો હતો. જેને નોટરાઇઝડ કર્યા વિના અસલ દસ્તાવેજ તરીકે માન્ય ગણાવીને સમગ્ર છેતરપિંડી આચરવામાં આવી હતી. 

કરોડો રૂપિયાની જમીન ભાજપના મોટા માથાઓને વેચી

બીજી તરફ કાંતિભાઈએ અન્ય આરોપીઓ સાથે મળીને વર્ષ 2019માં બોગસ પાવર ઑફ ઍટર્ની તૈયાર કરી હતી. જેમાં વિરેન્દ્રભાઈ પટેલની બનાવટી સહી કરીને કરોડો રૂપિયાની જમીનનો હક હિસ્સો જતો કરવાનું લખાણ કરીને જમીનનો ભોગવટો કાંતિભાઈ પટેલ અને ગોપી પટેલને સોંપાયાનું લખાણ કરાયું હતું. આમ 2018માં વિરેન્દ્રભાઈના નામે રીટાયર્ડમેન્ટ ડીડ બનાવી, જ્યારે 2019માં વિરેન્દ્રભાઈની પાવર ઑફ ઍટર્ની બનાવી હતી. ત્યારબાદ આ નોટોરાઇઝડ કર્યા વગરના દસ્તાવેજને આધારે વર્ષ 2023માં કરોડો રૂપિયાની જમીન ભાજપના મોટા માથાઓને વેચી હતી. જેમાં તકરારી હોવા છતાંય, મામલતદારે સરકારના દબાણમાં આવીને ખોટા દસ્તાવેજને કાયદેસરનો ગણીને જમીનના સોદાની એન્ટ્રી કરી હતી. સાથેસાથે આ કૌભાંડમાં કલેક્ટર કચેરીના અધિકારીઓને સંડોવણીની શક્યતા છે.

આ અંગે કોર્ટમાં ન્યાય માટે દાદ માંગતા કોર્ટે સિગ્નેચર એક્સપર્ટ સહિતના તમામ પુરાવા ધ્યાનમાં લઈને ક્રિમિનલ પ્રો. કોડની કલમ 156(3)નો રિપોર્ટ કરીને કાંતિભાઈ અને અન્ય આરોપીઓ સામે ગુનો નોંધવાનો હુકમ કરતાં પાલડી પોલીસે ગુનો નોંધ્યો હતો.

કરોડોની જમીન ભાજપના મોટા માથાઓને વેચી! અમદાવાદમાં જમાઈને ઠગનારા સસરા પર નવો આરોપ 2 - image


Google NewsGoogle News