Get The App

રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત, પાછળ બેસનારાને પણ લાગુ પડશે નિયમ

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત, પાછળ બેસનારાને પણ લાગુ પડશે નિયમ 1 - image


Helmet Rule in Gujarat : ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં હવે તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. સચિવાલયના તમામ વિભાગ ઉપરાંત તમામ સરકારી, અર્ધસરકારી કચેરી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર વાહનો પર આવતા અધિકારીઓ/કર્મચારીઓ અને પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત રહેશે. હેલ્મેટ વગર કર્મચારીને સરકારી કચેરીમાં પ્રવેશ નહીં મળે. આ અંગે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. જણાવી દઈએ કે, આ અગાઉ અમદાવાદ પોલીસ કર્મચારી/અધિકારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરાઈ ચૂક્યું છે.

રાજ્ય સરકારે પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં વધતાં જતાં માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજા/મૃત્યુના બનાવો ધ્યાને લેતા માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરુરી છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઈજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે. આથી, રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદા પાલન અને સલામતી/સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસરનો હેલ્મેટ ફરજિયાતપણે ઉપયોગ કરે તે આવશ્યક છે.

આ પણ વાંચો : 'લોકોની જિંદગીનો સવાલ છે...' હેલ્મેટ મુદ્દે લાચાર દેખાતી સરકાર પર ભડકી ગુજરાત હાઈકોર્ટ

મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ નિયમ-129 હેઠળ, દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવાથી, સરકારની પુખ્ત વિચારણાને અંતે રાજ્યની તમામ સરકારી કચેરીઓના પરિસરમાં દ્વિચક્રી વાહન મારફતે આવતાં-જતાં અધિકારીઓ-કર્મચારીઓ-સ્ટાફ માટે નીચે મુજબની સુચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.

1. સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં દ્વિચક્રી વાહન (મોટર સાઇકલ, સ્કૂટર વગેરે) પર આવતાં-જતાં વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારીઓ/કર્મચારીઓએ ફરજિયાતપણે, નિયત ધોરણસરનું હેલ્મેટ પહેરીને જ સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ લેવાનો રહેશે, અન્યથા તેઓને સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ અટકાવી શકાશે. 

2. આ સૂચનાઓના યોગ્ય અમલીકરણ માટે સંબંધિત કચેરીના વડાઓએ નિયંત્રણ હેઠળના સર્વે અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી સૂચના તથા તે અંગે ચકાસણી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. 

3. ઉક્ત વ્યવસ્થા માટે, જરુર જણાય તો, પોલીસ ખાતા/સલામતી દળના કર્મચારીઓની સેવા મેળવી શકાશે.

આ પણ વાંચો : હવે પોલીસ પણ હેલ્મેટ વિના છટકી નહીં શકે! અમદાવાદ CPએ લગાવી લગામ, જાહેરનામું બહાર પાડી કર્યો આદેશ

gujarat

Google NewsGoogle News