157 શાળામાં તમામ વિદ્યાર્થી નાપાસ: બે વર્ષ જૂના પરિણામના આધારે અખિલેશે 'ગુજરાત મોડલ' પર ઉઠાવ્યા સવાલ
Opposition Question On Gujarat Education System: ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ચુકી છે. હવે વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન વિપક્ષે ભાજપ સરકારની શિક્ષણ નીતિ પર પ્રહાર કર્યા છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત બોર્ડના રિઝલ્ટનું ઉદાહરણ આપીને પ્રહાર કર્યા છે.
સપા અધ્યક્ષે પોસ્ટમાં લખ્યું- ગુજરાત મોડેલ
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર એક સમાચાર અહેવાલનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. જેમાં લખવામાં આવ્યું હતું, 'ગુજરાત બોર્ડ રિઝલ્ટઃ 10માં ધોરણમાં 157 સ્કૂલમાં શૂન્ય વિદ્યાર્થીઓ પાસ'. અખિલેશ યાદવે પોસ્ટમાં લખ્યું કે, 'ગુજરાત મોડેલ ફેઇલ થઈ ગયું... ગુજરાતમાં 157 સ્કૂલમાં 10માં ધોરણની બોર્ડની પરીક્ષામાં એકપણ વિદ્યાર્થી પાસ નથી થયો. ભાજપ હટાવો, ભવિષ્ય બચાવો!'
અરવિંદ કેજરીવાલે દેશની શિક્ષણ વ્યવસ્થા બગાડવાનો લગાવ્યો આરોપ
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે પણ અખિલેશ યાદવની આ પોસ્ટને ફરી શેર કરતા ગુજરાતના શિક્ષણ મોડેલને લઈને ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, 'આ ગુજરાત મોડેલ છે... જેને તેઓ આખા દેશમાં લાગુ કરવા ઈચ્છે છે. આ ડબલ એન્જિન મોડેલ છે. આખા દેશને અભણ રાખવા ઈચ્છે છે. તમે મને એક રાજ્ય બતાવો જ્યાં ભાજપની સરકાર હોય અને તેમણે ત્યાં શિક્ષણનો નાશ ન કર્યો હોય. આ મોડેલ હેઠળ હવે આ લોકો દિલ્હીની શિક્ષણ વ્યસ્થાને ખતમ કરવામાં લાગી રહ્યા છે.'
2023 ના રિઝલ્ટ પર વિપક્ષના પ્રહાર
નોંધનીય છે કે, વિપક્ષ જે ગુજરાત બોર્ડના રિઝલ્ટને લઈને ભાજપ સરકાર પર પ્રહાર કરે છે, તે 2023નું છે. બે વર્ષ પહેલાં 2023માં ગુજરાત બોર્ડના ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં કુલ 7,34,898 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 4,74,893 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ગુજરાત SSC ધોરણ 10 બોર્ડનું સરેરાશ પરિણામ 64.62% હતું. રાજ્યની 272 શાળામાં 100% પરિણામ આવ્યું હતું અને 1084 શાળામાં 30% થી પણ ઓછા વિદ્યાર્થીઓ પાસ થયા હતાં. જોકે, 157 શાળા એવી હતી જ્યાં બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાંથી એકપણ વિદ્યાર્થી પાસ નહતા થયા.
આ પણ વાંચોઃ ગાંધીનગરઃ સાબરમતીમાં નહાવા પડેલા બે અમદાવાદી યુવક ડૂબ્યા, એકનું મોત, બીજો હજુ ગુમ
ક્યારે જાહેર થશે 2025ની બોર્ડ પરીક્ષાનું પરિણામ?
જણાવી દઈએ કે, આ વર્ષે ગુજરાત SSC ધોરણ 10 બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ 2025 સુઘીમાં યોજાઈ હતી. આ વર્ષે આશરે 8 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. હાલ ધોરણ 10 બોર્ડના રિઝલ્ટની જાહેરાત નથી કરાઈ. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાનું પરિણામ મે મહિનાના ત્રીજા અથવા ચોથા અઠવાડિયામાં જાહેર કરવામાં આવે છે.
વળી આ મામલે ગુજરાત કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં શિક્ષણની અધોગતિ કરવામાં આવી છે. શાળાઓમાં શિક્ષકો નથી, સરકાર ભરતી નથી કરતી, આંદોલન કરનારાઓ શિક્ષકોને જેલમાં પૂરી દેવામાં આવે છે. ગુજરાત કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યું કે, કોરોનામાં શિક્ષકોને સ્મશાનમાં મૃતદેહ ગણવા મોકલ્યા હતાં, શિક્ષકોને વિવિધ કામોમાં ફસાવીને રાખે છે પછી શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ ક્યારે કરે? ભાજપ સરકારમાં દિન-પ્રતિદિન શિક્ષણની વ્યવસ્થા કથળી રહી છે.
જોકે, આ મામલે હર્ષ સંઘવીએ અખિલેશ યાદવને વળતો જવાબ આપતા કહ્યું કે, 'મેં આવા નકલી અને કપટી નેતાઓ ક્યારેય જોયા નથી. ગુજરાત બોર્ડના પરિણામો હજુ સુધી જાહેર થયા નથી, પરંતુ અખિલેશ યાદવ અને તેમના સહયોગી અરવિંદ કેજરીવાલ દ્વારા સોશિયલ મીડિયા પર નકલી પરિણામો શેર કરવામાં આવ્યા છે. આ ખોટી માહિતી ફેલાવવાનો અને જાહેર અભિપ્રાય સાથે છેડછાડ કરવાનો સ્પષ્ટ પ્રયાસ છે. આ નેતાઓને બાળકોને તેમના ગંદા રાજકારણમાં ઘસવાનો કોઈ અધિકાર નથી.'