અંબાજી, દ્વારકા અને પાલીતાણા સહિત રાજ્યમાં 11 સ્થળે એરસ્ટ્રીપ બનાવાશે
- સ્ટડી પ્રમાણેની જમીન નહીં હોવાથી અંતે રાજપીપળાનો પ્રોજેક્ટ રદ
ગાંધીનગર,તા.27 ફેબ્રુઆરી 2024,મંગળવાર
ગુજરાત સરકારે ત્રણ મોટા ધાર્મિક સ્થળો અંબાજી, દ્વારકા અને પાલીતાણા સહિત કુલ 11 સ્થળોએ એરસ્ટ્રીપ વિકસાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે અત્યાર સુધીમાં 56.46 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે અમદાવાદથી ધરોઇ સુધીની સી-પ્લેન યોજના માટે સિંચાઇ વિભાગની જમીન સંપાદન કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં 56.46 કરોડનો ખર્ચ થયો, ધરોઇ ડેમ પર સી-પ્લેન સેવા માટે સિંચાઇ વિભાગની જમીન સંપાદન થશે
વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સિવિલ એવિયેશનના વિકાસ માટે એરસ્ટ્રીપ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંબાજીમાં જમીન સંપાદન કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. દ્વારકામાં શોધેલી જમીનમાં પ્રિ-ફિઝિબિલિટી માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રજૂઆત કરવામાં આવી છે.
એ ઉપરાંત મોરબીમાં 2500 મીટરના રનવેના બાંધકામ માટે જમીન મેળવાઇ રહી છે. પાલીતાણામાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રિ-ફિઝિબિલિટી સ્ટડી પ્રમાણે જમીન અનુકૂળ નહીં હોવાથી અન્ય જગ્યાએ જમીન શોધવામાં આવી રહી છે. ધોળાવીરામાં પસંદ કરેલી જમીન પુરાતત્વ વિભાગ પાસે હોવાથી તેનો અભિપ્રાય મેળવાઇ રહ્યો છે.
એવી જ રીતે અંકલેશ્વરમાં ફેઝ-1ની કામગીરીમાં એપ્રન અને ટેક્સી-વેના બાંધકામની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે રનવેની કામગીરી 80 ટકા પૂર્ણ થઇ છે. રાજપીપળામાં સ્ટડી પ્રમાણે જમીન અનુકૂળ નહીં હોવાથી હાલ કોઇ આયોજન નથી. માંડવીમાં સરકારની હવાઇ પટ્ટીના વિસ્તરણ માટે જમીન મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત દહેજ, પસસોલી, વણોદ (બેચરાજી) અને બગોદરામાં હવાઇ પટ્ટી વિકસાવવાની વિચારણા ચાલી રહી છે.
એરસ્ટ્રીપના વિકાસ માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તેવા પૂરક પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે 2022માં 4.55 કરોડ અને 2023માં 51.91 કરોડ મળીને કુલ 56.46 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. બીજીતરફ રાજ્ય સરકારે અમદાવાદ-કેવડિયાના સી-પ્લેનની જેમ અમદાવાદ-ધરોઇ સી-પ્લેન પ્રોજેક્ટ માટે સિંચાઇ વિભાગની જમીન ખરીદવાની કાર્યવાહી ચાલી રહી છે.