Get The App

પહલગામની ઘટના પગલે એર ટિકિટ કેન્સલ કરતાં ગ્રૂપ બુકિંગ રિફંડ આપવામાં એરલાઇન્સના ગલ્લાં તલ્લાં

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
પહલગામની ઘટના પગલે એર ટિકિટ કેન્સલ કરતાં ગ્રૂપ બુકિંગ રિફંડ આપવામાં એરલાઇન્સના ગલ્લાં તલ્લાં 1 - image


Pahalgam terror attack 2025: પહલગામમાં આતંકવાદીઓ દ્વારા થયેલા નિર્મમ હત્યાકાંડ જ્યારે પ્રવાસીઓ પાછા આવી રહ્યા છે અને ચારેકોર અફરાતફરી મચી ગઈ છે. તેવા સમયે મોટા ભાગની એરલાઈન્સોએ કાશ્મીરની ટિકિટ કેન્સલ કરાવતા તમામ પ્રવાસીઓની ટિકિટોને રિફંડ આપીને રાહતનો દમ આપ્યો હતો. પરંતુ સ્પાઈસ જેટ દ્વારા પહેલાં વાયદો કરીને પછી રિફંડ આપવાની ના પડતાં હજ્જારો પ્રવાસીઓના કરોડો રુપિયા ફસાયા છે. 

રિફંડ નહીં મળતા હજારો પ્રવાસીઓના કરોડો ફસાયા

અમદાવાદથી શ્રીનગરની જૂન મહિના સુધીની ટિકિટો જામ પેક હતી. જે પહેલગામ ઘટના બાદ 90 ટકા કેન્સલેશન થવા પામ્યા છે. આવા સમયે મોરલ ગ્રાઉન્ડ પર મોટા ભાગની એરલાઈન્સ દ્વારા દરેક કેન્સલેશન પર રિફંડ આપવાનું નક્કી કર્યું હતું પરંતુ સ્પાઈસ જેટ દ્વારા ગ્રુપ બુકિંગના રિફંડ પરત કરવામાં આવ્યા નથી. આ રકમ રોજની 36 લાખ જેટલી થાય અને મહિના પ્રમાણે 9 કરોડ જેવી થાય છે. આટલું બધું માતબર ગ્રૂપ બુકિંગ રિફંડ ના આપતાં અનેક મુસાફરોને હાલમાં હાલાકી પડી રહી છે. આ અંગે સ્પાઈસ જેટના દિલ્હી સ્થિત હેડ દેબોજીતને ફોન કરતાં તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.

આ અંગે વાત કરતાં એક પ્રવાસીએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ એવી છે કે અમારે બ્લોકમાં ટિકિટો કેન્સલ કરાવવાની નોબત આવી છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં હત્યાકાંડ થાય ત્યારે સ્વાભાવિક રીતે માનસિક ધોરણે ફરવા જવાની ઈચ્છા ના થાય. હાલમાં મોટા ભાગની એર લાઈન્સ કેન્સલેશન માટે લોકોને પૂરેપૂરા રિફંડ આપી રહી છે ત્યારે સ્પાઈસ જેટ દ્વારા બ્લોક બુકિંગ કરેલા મુસાફરોને રિફંડ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

આ અંગે પ્રવાસીઓએ જણાવ્યું હતું કે જ્યારે અમે બુકિંગ કરાવ્યું હતું ત્યારે શ્રીનગરની ટિકિટના પ્રતિ વ્યક્તિ દસ હજાર ભાવે આખા પરિવારનું એક લાખનું બુકિંગ કરાવ્યું હતું. હવે જ્યારે સ્પાઈસ જેટ ના પાડે તો કેમ ચાલે ? 

વધુમાં તપાસ કરતાં રોજ સ્પાઈસ જેટમાં 180 મુસાફરો પ્રવાસ કરી રહ્યા છે જેમાંથી 90 ટકા પ્રવાસીઓએ પોતાનો પ્રવાસ કેન્સલ કરાવતા સ્પાઈસ જેટ દ્વારા બ્લોક બુકિંગ પર રિફંડ કરવાની ના પાડતા હજારો પ્રવાસીઓના  નાણાં અટવાયા છે. જો કે આ અંગે પ્રવાસીઓએ સરકારને પણ પત્ર લખીને તેમની પરિસ્થિતિની જાણ કરી છે. આ જ સ્થિતિ અનેક ટૂર ઓપરેટોરોની પણ થઈ છે જેના કારણે અનેક ટૂર ઓપરેટરોને આર્થિક ફટકો પણ પડ્યો છે.

Tags :