સી પ્લેનના 'બાળમરણ' બાદ હવે અમદાવાદના રિવરફ્રન્ટ અને કચ્છમાં એર ટેક્સી ઉડાન ભરશે
Air Taxi: સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી મોટા ઉપાડે શરુ કરાયેલા સી પ્લેનનું તો બાળમરણ થઈ ચૂક્યું છે. હવે કેન્દ્ર સરકારે વિકસીત દેશોની જેમ ભારતમાં પણ એર ટેક્સી ઉડાડવા વિચારણા શરુ કરી છે. ઇલેકટ્રીક વર્ટિકલ ટેક ઑફ અને લેન્ડિંગ કરી શકે તેવું બેટરી આધારિત એરક્રાફ્ટની e-VTOL તરીકે ઓળખાય છે. ગુજરાત માટે આનંદના સમાચાર એ છે કે, આ એર ટેક્સી ઉડાવવા માટે ટ્રાયલ સાઇટ તરીકે અમદાવાદ અને માંડવી(કચ્છ)ની પસંદગી કરાઈ છે. કેન્દ્રીય એવિએશન વિભાગે દેશમાં ચાર ટ્રાયલ સાઇટની પસંદગી કરી છે, જેમાં આંધ્રપ્રદેશના પણ બે સ્થળોનો સમાવેશ થાય છે. ભારતમાં એર ટેક્સી ઉડાડવા માટે ગુજરાતમાંથી પ્રથમ પ્રયોગ હાથ ધરાશે.
અમદાવાદ અને કચ્છના માંડવીની ‘ટ્રાયલ સાઇટ’ તરીકે પસંદગી કરી
કેન્દ્રીય સિવિલ એવિએશનની નેમ છેકે, ઓછા ઘોંઘાટ કરે, પેટ્રોલનો ઓછો વપરાશ થાય અને પર્યાવરણને અનુકુળ હોય તેવા એરક્રાફ્ટ ઉડે. એડવાન્સ એર મોબિલીટીને પ્રોત્સાહન આપવાના ભાગરુપે હવે બેટરી આધારિત વર્ટીકલ ટેક ઑફ અને લેન્ડિંગ કરી શકે તેવા નાનાકડા એરક્રાફ્ટ જેને એર ટેક્સી પણ કહે છે. આ એરક્રાફ્ટની ‘e-VTOL’ નામ તેની અસલ ઓળખ છે. હેલિકોપ્ટરની જેમ આ નાનકડું એરક્રાફ્ટ ઊડી અને ઉતરી શકે છે. તેને રન-વેની જરૂર હોતી નથી.
કેન્દ્રીય સિવિલ એવિએશન વિભાગે આ મુદ્દે રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં એ વાતની પુષ્ટિ કરી છેકે, સેન્સર, લેટેસ્ટ સોફ્ટવેરથી સજ્જ એર ટેક્સી હેલિકોપ્ટર કરતાં વધુ સલામત છે. આ રિપોર્ટમાં ખાસ ઉલ્લેખ કરાયો છેકે, દેશમાં એર ટેક્સી ઉડાવવા માટે વિચારણા કરવામાં આવી છે તે માટે ડિરેક્ટોરેટ ઑફ સિવિલ એવિએશન ઉપરાંત નિષ્ણાતોની એક ટીમે ગુજરાતની મુલાકાત લીધી છે જેમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પરથી એર ટેક્સી ઉડાડવાનું નક્કી કર્યુ છે. આ ઉપરાંત કચ્છના માંડવીની પણ પસંદગી કરાઈ છે.
આ બંને સ્થળોની ટ્રાયલ સાઇટ તરીકે પસંદગી કરાઈ છે. માત્ર ગુજરાત જ નહીં, આંધ્રપ્રદેશના બે શહેરોની પણ ટ્રાયલ સ્થળ તરીકે પસંદ કરાયા છે. જો, ટ્રાયલમાં સફળતા મળશે તો, એકાદ બે વર્ષમાં ભારતમાં એર ટેક્સી શરુ કરાશે તેવું અનુમાન છે. અત્યારે તો ટ્રાયલ બેઝ પર એર ટેક્સી ઉડાવવાનો પ્રયોગ કરવાની દિશામાં કેન્દ્ર સિવિલ એવિએશન વિભાગે તૈયારીઓ શરુ કરી છે. સી-પ્લેનના ઠેકાણા નથી. એર ટેક્સી શરુ થાય તો પણ ગુજરાતમાં કેટલો પ્રતિસાદ સાંપડે એ તો અત્યારથી કહી શકાય તેમ નથી.
‘e-VTOL’ની ખાસિયત શું છે
ઈલેકટ્રીક વર્ટિકલ ટેક ઑફ અને લેન્ડિંગ એરક્રાફ્ટની વિશેષતા એ છેકે, આ પર્યાવરણને અનુકુળ છે. બેટરી આધારિત હોવાથી ઘોંઘાટ કરતું નથી એટલે નેચર ફ્રેન્ડલી છે. રન વેની જરૂર હોતી નથી. હેલિકોપ્ટરની જેમ ઉડી શકે છે. આ એર ટેક્સીમાં બેથી માંડી છ વ્યક્તિ હવાઈ મુસાફરી કરી શકે છે. એક વખત બેટરી ચાર્જ કર્યા બાદ 250 કિમી સુધી ઉડી શકે છે. સેન્સર-આધુનિક સોફ્ટવેરથી સજ્જ હોવાથી હેલિકોપ્ટર કરતાં વઘુ સલામત છે. જોકે, પહાડી વિસ્તારો પરથી ઉડાડવું જોખમી છે.