ફાઈનલ મેચને યાદગાર બનાવવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર યોજાશે એર શો! આજે થયું રિહર્સલ

ફાઈનલ મેચ પહેલા એરફોર્સના વિમાનો કરતબ બતાવશે

આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર વિમાન રિહર્સલ કરતા જોવા મળ્યા હતા

Updated: Nov 16th, 2023


Google NewsGoogle News
ફાઈનલ મેચને યાદગાર બનાવવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર યોજાશે એર શો! આજે થયું રિહર્સલ 1 - image

Ahmedabad World Cup Final: આગામી 19 નવેમ્બરે (રવિવાર) વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદમાં પધારી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ બોડકદેવ ખાતે આવેલી ITC નર્મદા હોટલમાં રોકાણ કરશે. હોટલમાં વર્લ્ડ કપની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે. તો બીજી તરફ આજે કોલકાતામાં રમાઈ રહેલી સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાંથી વિજેતા બનનારી ટીમ પણ અમદાવાદ પહોંચશે. ત્યારે ફાઈનલ મેચને યાદગાર બનાવવા માટે અમદાવાદમાં એર શો યોજવામાં આવશે. આ એર શો માટે આજે રિહર્સલ યોજાયું હતું.

અમદાવાદના સ્ટેડિયમ પર યોજાશે એર શો!

વર્લ્ડ કપના આ મહામુકાબલા દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર એર શો યોજાવાનો છે. ત્યારે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ એર શોનું રિહર્સલ યોજાયું હતું. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર વિમાન રિહર્સલ કરતા જોવા મળ્યા હતા. જોકે, હાલ એર શો માટેની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. ફાઈનલ મેચ પહેલા એરફોર્સના વિમાનો કરતબ બતાવશે. વિશેષ 4 વિમાન સ્ટેડિયમ પરથી ઉડાન ભરશે.

વડાપ્રધાન મોદી ફાઈનલ મેચ જોવા આવે તેવી શક્યતા

19 નવેમ્બરે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવી શકે છે. જોકે, આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. પરંતુ તંત્ર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. મહત્વનું છે કે, વડાપ્રધાન મોદીએ સેમિફાઈનલ મુકાબલામાં ભારતની જીત પર શુભેચ્છા પાઠવી હતી.

ફાઇનલ મેચને લઇને પોલીસ અલર્ટ

1.25 લાખ દર્શકોની ક્ષમતાવાળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે મેચ રમાવાની છે. અમદાવાદમાં રમાનાર વર્લ્ડકપની ફાઇનલ મેચને લઇને પોલીસ તંત્ર અલર્ટ થઇ ગયું છે. આ મેચ પહેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે JCP નીરજ બડગુજરે આજે સુરક્ષાની સમીક્ષા કરી હતી. તો શહેરમાં કડક બંદોબસ્ત પણ ગોઠવવાની તૈયારીઓ ચાલી રહી છે.


Google NewsGoogle News