અમદાવાદને કાર્બન ફ્રી સિટી બનાવવાનું તિકડમ: 500 કરોડનો હિસાબ આપી શકતા નથી ત્યારે 4.40 લાખ કરોડની વાતો
શહેરની ગ્રીન સ્પેસમાં વધારો કરવા, નવી ઈલેકટ્રીક બસ મુકવા, સોલાર સીટી બનાવવા જેવા આયોજન કરાશે
Carbon Free City : અમદાવાદ મ્યુનિ.ને સરકાર તરફથી એર કવોલીટી પ્રોગ્રામ અંતર્ગત પાંચ વર્ષમાં અંદાજે રુપિયા 500 કરોડ ગ્રાન્ટ પેટે આપવામાં આવ્યા છે.આ રકમ કયાં વપરાઈ એનો તંત્ર કે સત્તાધીશો હિસાબ આપી શકતા નથી. બીજી તરફ 56 વર્ષ પછી એટલે કે વર્ષ-2070માં શહેરને કાર્બન ફ્રી સિટી બનાવવાના નામે સત્તાધીશો તરફથી નવુ તિકડમ ઉભુ કરવામાં આવ્યુ છે. શહેરને કાર્બન ફ્રી બનાવવા ગ્રીન સ્પેસમાં વધારો કરવા, નવી ઈલેકટ્રીક બસ મુકવા, ઈલેકટ્રીક ચાર્જિંગ સ્ટેશનની સંખ્યામાં વધારો કરવા ઉપરાંત સોલાર સીટી બનાવવા તરફ અગ્રેસર બનાવવા રુપિયા 4.40 લાખ કરોડ ઉભા કરવા મ્યુનિ.મિલકતો અને પ્લોટોના ડેવલપમેન્ટ રાઈટસ ખાનગી ડેવલપર્સને વેચી નાણાં ઉભા કરાશે.
શહેરની ગ્રીન સ્પેસમાં વધારો કરવા, નવી ઈલેકટ્રીક બસ મૂકવા, સોલાર સિટી બનાવવા જેવા આયોજન કરાશે
મોદીના વાર્ષિક રુપિયા 12 હજાર કરોડથી વઘુનુ બજેટ ધરાવતા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે શહેરના પર્યાવરણને સુધારવા માટેના કામ કરવા પુરતુ ફંડ નથી. આ કારણથી શહેરને કાર્બન ફ્રી બનાવવા માટે નાણાંકિય ફંડ-2024નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં હાલમાં અલગ અલગ સ્તરે 283 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ આવેલી છે.
મ્યુનિ.કોર્પોરેશનને ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ-1976 ની જોગવાઈ મુજબ મળેલા પ્લોટ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલ,શાળાઓ તેમજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન,લાયબ્રેરી, બસ સ્ટેશન,વિવિધ કચેરીઓ, પાર્ટી પ્લોટ,કોમ્યુનિટી હોલ તથા ઓડીટોરીયમ જેવી મિલકતો કે જયાં મંજુરીપાત્ર એફ.એસ.આઈ.નો પુરો ઉપયોગ કરવામા આવ્યો નથી.
આ પ્રકારની બાકી પડી રહેલી બેલેન્સ એફ.એસ.આઈ.ને ટ્રેડેબલ ડેવલપમેન્ટ રાઈટસમાં રુપાંતરીત કરીને ખાનગી ડેવલપર્સને વેચી નાણાંકિય ભંડોળ ઉભુ કરવામાં આવશે.મ્યુનિ.તંત્રને શહેરની અલગ અલગ ટાઉન પ્લાનિંગ સ્કીમ પૈકી કુલ 2111 પ્લોટ અંદાજે 87 હજાર ચોરસ મીટરથી વઘુ ક્ષેત્રફળ ધરાવતા સોશિયલ ઈન્ફ્રાસ્ટકચર માટે મળેલા છે.
દર વર્ષે એક હજાર કરોડના ટી.ડી.આર.ઉભા કરાશે
મ્યુનિ.તંત્ર દ્વારા નાણાંકિય ભંડોળ ઉભુ કરવા મ્યુનિસિપલ કમિશનર,ડેપ્યુટી મ્યુનિ.કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન,ટાઉન પ્લાનિંગ ચેરમેન, ઔડા ચેરમેન, ઉપરાંત ચીફ સીટી પ્લાનર સહિતના અધિકારીઓની એક કમિટી બનાવાશે. દર વર્ષે એક હજાર કરોડની મર્યાદામાં ટી.ડી.આર.ઉભા કરવામા આવશે. દર વર્ષના ફંડને પર્યાવરણ લક્ષી સુધારા સંબંધિત કામગીરી પાંચ વર્ષની સમય મર્યાદામા વાપરી નાંખવાનુ રહેશે.