Get The App

એલર્ટ! સિગ્નલ ન હોય ત્યાં ટ્રાફિકની AI ઈન્ટરસેપ્ટર મેમો આપશે, અમદાવાદમાં નવી પહેલ

Updated: Nov 2nd, 2024


Google NewsGoogle News
એલર્ટ! સિગ્નલ ન હોય ત્યાં ટ્રાફિકની AI ઈન્ટરસેપ્ટર મેમો આપશે, અમદાવાદમાં નવી પહેલ 1 - image


AI Interceptor Van In Ahmedabad: અમદાવાદ ટ્રાફિક પોલીસ નવા વર્ષથી ટ્રાફિક વધુને વધુ સરળ બને તે માટે  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઈન્ટરસેપ્ટર વાનનો ઉપયોગ કરવાની છે. જ્યાં સિગ્નલ ન હોય અથવા તો ભારે ટ્રાફિક રહેતો હોય કે પછી ટ્રાફિક જામ થાય તેવા સ્થળોએ પહોંચી જઈને પેટ્રોલિંગ કરવા, ટ્રાફિક નિયમન કરવાની સાથે જ 14 પ્રકારના ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ-મેમો આપવાની કામગીરી કરાશે. આ પ્રકારની પાંચ એ.આઈ. ઈન્ટરસેપ્ટર મેમો વાન કાર્યરત કરી દેવાઈ છે.

AI કેમેરાવાળી પાંચ વાન કાર્યરત

અમદાવાદ ટ્રાફિક પોલીસે પેટ્રોલિંગ સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે આધુનિક અભિગમ અપનાવ્યો છે. ટ્રાફિક નિયમભંગ કરતાં વાહન ચાલકોને નશ્યત આપવા એ.આઈ. કેમેરાવાળી પાંચ વાન કાર્યરત કરવામાં આવી છે. આ વાનમાં 14 પ્રકારના ટ્રાફિક નિયમના ભંગ બદલ મેમો બનશે તે વાહન ચાલકના ઘર સુધી પહોંચતો કરવામાં આવશે.

આ ટ્રાફિક નિયમના ભંગ બદલ મેમો બનશે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા તેમજ જીંદગી બચાવી શકાય તે પ્રકારની કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસ સજજ બની છે. હેલ્મેટ પહેરેલી ન હોય, ઓવર સ્પીડ, સ્ટોપલાઈન ભંગ, બીઆરટીએસ રૂટમાં ઘુસવું, નંબર પ્લેટ ન હોય, ટ્રાફિક સિગ્નલ ભંગ, ટ્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ ફોન ઉપર વાતચિત, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, નો-પાર્કિંગ નિયમ ભંગ, આડેધડ પાર્કિંગ, સીટ બેલ્ટ ન બાંધવો, ફ્રી લેફ્ટ ટર્ન બ્લોક કરવો, કારમાં ડાર્ક ફિલ્મ લગાવવામાં આવી હોય તેવા મુદ્દે પાંચ ઈન્ટરસેપ્ટર ઈ-મેમાં તૈયાર કરશે. વાહન જેના નામે હશે તેના ઘરે મેમો પહોંચતા થશે.

આ પણ વાંચો: ભારત-કેનેડા વિવાદ વચ્ચે નવું સંકટ, વિઝા મેળવવામાં સર્જાઈ મુશ્કેલીઓ, જાણો કારણ

અમદાવાદમાં હાલ 212 સર્કલ ઉપર સીસીટીવી છે. પરંતુ કેમેરા અસરકારક નથી તેવા શીવરંજની, શ્યામલ, સોલા, ગોતા, ઈસ્કોન અને પકવાન સર્કલ તેમજ નાની ગલીઓ, સાંકડા રસ્તા ઉપર એ.આઈ. કેમેરા સાથેની ઈન્ટરસેપ્ટ વાનનો ઉપયોગ કરવામાં આવશે. 

એ.આઈ. ઈન્ટેલિજન્સ ધરાવતા કેમેરા કેવી રીતે કામ કરશે?

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, 'શહેર ટ્રાફિક પોલીસની ઈન્ટરસેપ્ટરવાન પેટ્રોલિંગ કરવા સાથે જ ટ્રાફિક સમસ્યા સર્જતા વાહનોને કેમેરામાં કેદ કરવા સાથે ઈ-મેમો તૈયાર કરવાની કામગીરી એ.આઈ. ઈન્ટેલિજન્સ ધરાવતા કેમેરાથી કરશે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્રના સંકલનથી તમામ વાહનોના ડેટા સાથેનો એક પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે. નિયમ ભંગ કરતાં વાહનના નંબરના આધારે આ પ્રોગ્રામથી એ.આઈ. ઈન્ટરસેપ્ટર ફોટો કેપ્ચર કરીને કન્ટ્રોલ રૂમના સર્વરને મોકલશે તે સાથે જ ઈ-મેમો બની જશે.'

ટ્રાફિક પોલીસ પાસે પાંચ ઈન્ટરસેપ્ટર વાન છે

સૂત્રોના જણાવ્યનુસાર, શહેર ટ્રાફિક પોલીસ પાસે પાંચ ઈન્ટરસેપ્ટર વાન છે. તેમાં કેમેરા તો લગાવેલાં છે. ઈન્ટરસેપ્ટર વાન પેટ્રોલિંગની કામગીરી કરતી હોય છે અને ટ્રાફિક જામ થાય ત્યાં પહોંચી જાય છે. ટ્રાફિક જામ સર્જતા મુખ્ય ચાર રસ્તા કે આંતરિક રસ્તાઓ ઉપર પણ ઈન્ટરસેપ્ટરના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ટ્રાફિક સરળ બનાવશે. આ ઉપરાંત ટ્રાફિક જામનું મુળ બનતાં વાહનચાલકોને નશ્યત રૂપે ઈ-મેમો આપવાની કાર્યવાહી આ વર્ષથી પૂર્ણરૂપે અમલી બનાવવામાં આવનાર છે.

એલર્ટ! સિગ્નલ ન હોય ત્યાં ટ્રાફિકની AI ઈન્ટરસેપ્ટર મેમો આપશે, અમદાવાદમાં નવી પહેલ 2 - image


Google NewsGoogle News