પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા વાઘના પાંજરામાં ઘૂસ્યો યુવક, અમદાવાદના કાંકરિયાની વિચિત્ર ઘટના
Ahmedabad Kankaria Zoo: મણિનગર કાંકરિયામાં રવિવારે બપોરે એક વિચિત્ર ઘટના બની હતી જેમાં પ્રેમિકાને આકર્ષિત કરવા માટે એક યુવક વાઘણના પાંજરામાં ઘૂસી ગયો હતો જો કે સમય સુચકતા વાપરીને પ્રાણી સંગ્રહાલયના સ્ટાફે મહા મુસીબતે તેને પાંજરામાંથી બહાર કાઢ્યો હતો. આ બનાવ અંગે મણિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણાના વતની અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા સંદિપકુમાર ડાહ્યાલાલ પંડયાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં મૂળ યુપીનો અને રખિયાલ માં ભાડે રહેતા અરુણકુમાર બ્રિજમોહન પાસવાન (ઉ.વ.26) સામે ફરિયાદ નોધાવી છે કે રવિવારે બપોરે યુવક કાંકરિયામાં ફરવા માટે આવ્યો હતો બપોરે હાથીના પાંજરા સામે આવેલા સફેદ વાઘણના પાંજરામાં પ્રવેશ્યો હતો.
તે પછી લીમડાના ઝાડ ઉપર ચઢીને ત્યાંથી વાઘણની પજવણીનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન યુવકનો પગ ખસી જતાં પડતા પડતા બચ્યો હતો હાજર લોકોએ બુમાબુમ કરતાં ઝુના સિક્યોરિટી સ્ટાફ દોડી આવ્યો હતો અને વાઘણને બીજા પાંજરામાં લઇ જઇન મહામુસીબતે યુવકને બહાર કાઢ્યો હતો.
આ બનાવ અંગે મણિનગર પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરતાં આરોપીએ પ્રેમિકા સાથે વાત કરી તો પ્રેમિકાએ વાઘના પાંજરામાં જવાની વાત કરી હતી જેથી પ્રેમિકાને આકર્ષિત કરવા માટે આ કૃત્ય આચર્યુ હતું. જો કે લોકોએ બુમાબુમ કરતાં પ્રેમિકાને વિડિયો કોલ કરી શક્યો ન હતો.