અમદાવાદની દિલ્હી જેવી દશા, હવાના પ્રદૂષિત ગ્રાફમાં વધારો, ગુલાબી ઠંડીની સાથે AQIનો આંક ઊંચો થયો

શહેરીજનો પ્રદૂષિત હવામાં શ્વાસ લેવા મજબૂર

GIDC- રખિયાલમાં AQI 250ને પાર

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
અમદાવાદની દિલ્હી જેવી દશા, હવાના પ્રદૂષિત ગ્રાફમાં વધારો, ગુલાબી ઠંડીની સાથે AQIનો આંક ઊંચો થયો 1 - image


Air pollution in Ahmedabad : અમદાવાદ શહેરમાં ગુલાબી ઠંડીની સાથે સાથે એર કવોલિટી ઇન્ડેક્સનો આંક વધી રહ્યો છે. દિવાળીના તહેવારો નજીક છે ત્યારે હવામાં પ્રદુષણની માત્રા વધી રહી છે પરિણામે શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે. નવેમ્બર માસમાં ય અમદાવાદ શહેરની હવા ઝેરી બની રહી છે. અમદાવાદની પણ દિલ્હી જેવી દશા હોય તેમ લાગી રહ્યુ છે.

શહેરમાં હવામાં પ્રદુષણનુ સ્તર જોખમકારક સ્થિતીમાં

અમદાવાદમાં હવામાં પ્રદુષણનુ સ્તર જોખમકારક સ્થિતીમાં છે. નવેમ્બર માસના પ્રથમ સપ્તાહથી જ શહેરની હવા ઝેરી બની છે. નોધનીય છે કે, ઓક્ટોબર માસમાં તો અમદાવાદીઓને અશુધ્ધ હવામાં જ શ્વાસ લેવો પડ્યો હતો કેમકે, એકેય દિવસ શુધ્ધ રહી નથી. આખોય મહિનો અમદાવાદીઓને હવાના પ્રદુષણનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આજે પણ અમદાવાદનો એર કવોલિટી ઇન્ડેક્સ 200ને પાર પહોચ્યો હતો. તેમાં રખિયાલ અને જીઆઇડીસી વિસ્તાર તો પિરાણા ડમ્પ સાઇટ કરતાં વધુ પ્રદુષિત વિસ્તાર રહ્યા હતાં. જીઆઇડીસીનો એર કવોલિટી ઇન્ડેક્સ 331 જયારે રખિયાલનો 287 સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત મણિનગરમાં 171, શાહીબાગમાં 168 ગ્યાસપુરમાં 174, કઠવાડામાં 186, સરદાર પટેલ સ્ટેડિયમમાં 173, ઘુમામાં 149 અને ચાંદખેડામાં 164 એર કવોલિટી ઇન્ડેક્સ નોંધાયો હતો. ફેક્ટરી- કારખાના અને વાહનોના ધુમાડા હવાના વધતા પ્રદુષિત કરી રહ્યા છે તેમ છતાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે મૌન ધારણ કરીને બેઠુ છે. હજુ તો દિવાળીમાં એર કવોલિટી ઇન્ડેક્સ વધુ ઉંચો જાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

જૂનથી સપ્ટે.સુધી અમદાવાદ શહેરનો AQI 51-100 રહ્યો, એક મહિનાથી સ્થિતિ ગંભીર બની

જો 0થી 50 સુધીનો એર કવોલિટી ઇન્ડેક્સ હોય તો સારી-શુધ્ધ હવા હોય. 51થી 100 સુધીનો એર કવોલિટી ઇન્ડેક્સ સામાન્ય ગણાય છે. જૂન,જુલાઇ, ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં અમદાવાદ શહેરમાં એર કવોલિટી ઇન્ડેક્સ 51થી 100 સુધીનો રહ્યો હતો. પણ ઓક્ટોબર માસથી હવાના પ્રદુષણની માત્રામાં એટલો વધારો નોંધાયો છે કે, આખોય મહિનો હવા ઝેરી રહી છે. નવેમ્બરના પ્રથમ ચારેક દિવસ પણ એર કવોલિટી ઇન્ડેક્સ 100થી વધુ રહ્યો છે. હવાના પ્રદુષણનુ સ્તર જોખમકારક બનતા અમદાવાદીઓની ચિંતામાં વધારો થયો છે.

અમદાવાદની દિલ્હી જેવી દશા, હવાના પ્રદૂષિત ગ્રાફમાં વધારો, ગુલાબી ઠંડીની સાથે AQIનો આંક ઊંચો થયો 2 - image


Google NewsGoogle News