Get The App

અમદાવાદમાં કોલેજ સ્ટુડન્ટની છરીના ઘા ઝીંકી હત્યાથી ચકચાર, કાર ચાલક સાથે થઈ હતી સામાન્ય બોલાચાલી

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં કોલેજ સ્ટુડન્ટની છરીના ઘા ઝીંકી હત્યાથી ચકચાર, કાર ચાલક સાથે થઈ હતી સામાન્ય બોલાચાલી 1 - image


Ahmedabad Bopal News: અમદાવાદથી ફરી એકવાર એવા અહેવાલ સામે આવ્યાં છે જેના વિશે સાંભળી તમે પણ ચોંકી જશો. કાર ધીમી હંકારવાનું કહેવા મામલે નજીવી બાબતમાં ઝઘડો એટલો વધી ગયો કે MICA કોલેજ સ્ટુડન્ટની છરીના ઘા કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઇ છે. આ મામલો શેલા વિસ્તારનો છે. 

શેલામાં આવેલી માઇકામાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો યુવક રવિવારે રાતના સમયે બુલેટ પર તેના મિત્ર સાથે હોસ્ટેલમાં પરત ફરી રહ્યો હતો ત્યારે બોપલ રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે પુરઝડપે આવી રહેલી એક કારના ચાલકને યુવકે યોગ્ય રીતે કાર ચલાવવાનું કહીને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને કારચાલકે એક સાથે બે છરીથી યુવકને ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દેતા તેને સારવાર માટે બોપલમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ઉત્તર પ્રદેશના મેરઠના વતની 23 વર્ષીય પ્રિયાંશુ જૈન શેલામાં આવેલી માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રવિવારે રાતે આઠ વાગે પ્રિયાંશુ અને તેની સાથે અભ્યાસ કરતા પૃથ્વીરાજ મહાપાત્રા નામના યુવકને કોલેજમાં ઇન્ટરવ્યૂ હતો. આ કારણસર તેઓ કપડા સીવડાવવા બોપલમાં સરકારી ટ્યુબવેલ પાસે આવેલા એક ટેલરને ત્યાં શૂટનું માપ આપવા ગયા હતા. ત્યાર પછી રાતે જમીને રાતના સાડા દસ વાગે હોસ્ટેલ પરત આવી રહ્યા હતા, ત્યારે રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે વળાંક લેતા સમયે પૂરઝડપે એક કાર પસાર થઇ હતી. જેથી પ્રિયાંશુએ તેને વાહન સરખું ચલાવવાનું કહ્યું હતું અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.  

આ દરમિયાન કારચાલક તેની કારમાંથી બે છરી લઇને આવ્યો હતો અને તેણે બંને હાથમાં છરી રાખીને પ્રિયાંશુના બરડા પર ઘા માર્યા હતો. જેના કારણે પ્રિયાંશુ નીચે પછડાયો હતો.  બાદમાં પૃથ્વીરાજ ઇજાગ્રસ્ત પ્રિયાંશુને એક ખાનગી કારમાં બોપલમાં ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કારચાલકની તપાસ શરૂ કરી છે.

આ ઘટના બદલ અમે દુઃખી છીએઃ MICA 

MICA તરફથી આ ઘટના અંગે નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બદલ અમે દુઃખી છીએ. આ ઘટના પરિસરની બહાર બની હતી. પ્રિયાંશુ સેકન્ડ યરમાં અભ્યાસ કરી રહ્યો હતો. આ માઈકાનું મોટું નુકસાન છે. અમે તેના પરિવારને દરેક પ્રકારે મદદ કરીશું અને પોલીસને પણ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપીશું.  



Google NewsGoogle News