શેરબજારીયાને છેતરવાનો નવો કિમીયો! અમદાવાદના યુવકની એક ભૂલ અને ગુમાવ્યા 1.44 કરોડ રૂપિયા
Stock Market Fraud : ડિજિટલ યુગમાં ઓનલાઈન ફ્રોડની અનેક ઘટનાઓ કિસ્સાઓ સામે આવે છે. આ દરમિયાન શેરબજારમાં રોકાણ કરનારા લોકોને છેતરવાના નવા કિમીયાની એક ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના એક યુવકે સોશિયલ મીડિયાના માધ્યમ થકી શેર માર્કેટના એક વોટ્સએપ ગ્રુપમાં જોડાયો અને એક ભૂલના કારણે કરોડો રૂપિયા ગુમાવ્યા હતા. જેમાં યુવકને રોકાણ પર 20 ટકા સુધીનો નફો મળશે તેવા મેસેજ આવતા હતા અને ગ્રુપના મેમ્બરોએ નફો મેળવ્યાના ફોટો શેર કરતા યુવક વિશ્વાસમાં આવીને 1.44 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું અને અંતે ફ્રોડનો શિકાર બન્યો હતો. યુવકે સમગ્ર ઘટના અંગે પાલડી પોલીસ સ્ટેશન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી.
શેર માર્કેટમાં રોકાણ પર મોટા નફોની લાલચમાં યુવકે 1.44 કરોડ ગુમાવ્યા
પોલીસ ફરિયાદ મુજબ, અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા નીલ શાહ નામનો યુવક એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 3 એપ્રિલના રોજ ઈન્સ્ટાગ્રામમાં શેર માર્કેટની રીલ જોવા મળતા નીલે તેમાં ક્લિક કરીને શેર માર્કેટ વાળા એક ગ્રુપમાં જોઈન થયો હતો. જ્યાં ગ્રુપના અન્ય મેમ્બરો જોડાયેલા હતા. આ ગ્રુપમાં શેર માર્કેટમાં રોકાણ પર 5-20 ટકા નફો મળશે તેવા મેસેજ આવતા હતા. આ સાથે ગ્રુપમાં જોડાયેલા અન્ય સભ્યો પર પોતાના રોકાણ અને નફાના ફોટો અહીં ગ્રુપમાં શેર કરતા હોવાથી નીલને તેમાં વિશ્વાસ આવ્યો હતો.
એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવીને કર્યું ફ્રોડ
વોટ્સએપ ગ્રુપમાં જોડાયા બાદ નીલે મેઘના ભાટિયા નામના ગ્રુપ એડમિનને મેસેજ કરતા તેમણે એક લીંક શેર કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહ્યું હતું. જેથી નીલે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમા પોતાનું નામ, નંબર, પાનકાર્ડ, બેંક સહિતની વિગતો નાખી હતી. જેમાં નીલે પોતાના બેંક ખાતામાંથી પાંચ લાખ ભર્યા તો તેને રોકાણ પર નફો બતાવામાં આવ્યો હતો. જેથી નીલે ટુકડે ટુકડે કરીને એપ્લિકેશનમાં 12 જેટલા ટ્રાન્જેક્શનમાં 1.44 કરોડ રૂપિયા ભર્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં જમાલપુર બ્રિજ નજીક કાર ચાલકે શાકભાજી વેચતી મહિલાને કચડી નાખતા મોત
જ્યારે એપ્લિકેશનમાં બતાવાયેલા 40 કરોડના નફામાંથી નીલે પૈસા ઉપાડવાની કોશિશ કરતા પૈસા ઉપડ્યા ન હતા. અંતે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.