આસ્ટોડિયામાં રૂ.1.81 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે યુવકને ઝડપી લેવાયો
Ahmedabad Drug Smuggling : સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે ગુરૂવારે સાંજના સમયે આસ્ટોડિયા બગીચા નજીકથી એક યુવકને રૂપિયા 1.81 લાખની કિંમતના એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવકને ડ્રગ્સની આદત હોવાથી તેણે ડ્રગ્સ વેચીને નાણાં મેળવવાનું શરૂ કર્યું હતું. આ અંગે એસઓજી દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ડ્રગ્સની આદત હોવાથી ખર્ચને પહોંચી વળવા માટે યુવકે ડ્રગ્સના વેચાણનું કામ પણ શરૂ કર્યું હોવાની શક્યતા
અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર એન.ડી.નકુમ અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે આસ્ટોડિયા વિસ્તારમાં એક યુવક એમ.ડી ડ્રગ્સનું છુટકમાં વેચાણ કરવા માટે ફરી રહ્યો છે. જેના આધારે ગુરૂવારે સાંજના સમયે વોચ ગોઠવીને યુસુફ પઠાણ (ચોકીદારનો ખાંચો, જમાલપુર)ને ઝડપીને તેની પાસેથી રૂપિયા 1.81 લાખની કિંમતનું 18 ગ્રામ એમ.ડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તે જુહાપુરામાં રહેતા મોહસીન પઠાણ નામના વ્યક્તિ પાસેથી એમ.ડી ડ્રગ્સનો જથ્થો વેચાણ માટે લાવ્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ યુસુફને પણ એમ.ડી ડ્રગ્સની લત હોવાથી સેવન કરવાની સાથે વેચાણ કરવા લાગ્યો હતો. તેણે આ અગાઉ અનેક વાર ડ્રગ્સનું વેચાણ કર્યું હોવાથી પોલીસે તેના ગ્રાહકો અને અન્ય વિગતો અંગે તપાસ શરૂ કરી છે.