ઘાટલોડિયાના સંકલ્પ રૉ હાઉસમાં પતિના ત્રાસથી ત્રસ્ત મહિલાએ ઉંઘની દવાનો ઓવરડોઝ લઇ આત્મહત્યા કરી
Ahmedabad Suicide Case : ઘાટલોડિયા જનતાનગરમાં આવેલી સંકલ્પ રૉ હાઉસમાં રહેતી એક મહિલાએ પતિના માનસિક-શારિરીક ત્રાસથી કંટાળીને ઉંઘની દવાનો ઓવરડોઝ લઇને જીવન ટુંકાવ્યાની ઘટના બની છે. આ અંગે ઘાટલોડિયા પોલીસે મૃતક મહિલાના પિતાની ફરિયાદને આધારે પતિ વિરૃદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહિલાએ અમદાવાદમાં રહેતા વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હતા. જેમાં તેને પ્રેગન્સી રહેતા પતિએ તેને મિસકેરેજ કરાવી દીધું હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે.
મહિલાને બીજા લગ્ન બાદ પ્રેગન્સી રહી હતી પરંતુ, પતિએ મિસકેરેજ કરાવી દીધું હતું : મહિલાએ દવા પીને ઓવરડોઝનો પિતાને વોટ્સએપ મેસેજ પણ કર્યો
મહારાષ્ટ્રના પુનામાં રહેતા સુરેશ મિશ્રાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમની 37 વર્ષની પુત્રી પલ્લવીના પ્રથમ લગ્ન વર્ષ 2012માં પુનામાં રહેતા શરદ જોષી સાથે થયા હતા. લગ્ન બાદ સંતાનમાં તેને એક પુત્ર છે. જે હાલ સુરેશ મિશ્રા સાથે રહે છે. વર્ષ 2019માં પલ્લવીને આંખ પાસે ગાંઠ થતા તેનું ઓપરેશન કરાવ્યું હતું. જેથી આરામ માટે પિતાને ઘરે રહેતી હતી. જો કે તેનો પતિ તેને લેવા માટે આવ્યો નહોતો. ત્યારબાદ 2021માં બંનેએ છુટાછેડા લીધા હતા. તે પછી ડીસેમ્બર-2022માં સુરેશભાઇએ પલ્લવીના બીજા લગ્ન કરાવવા માટે મેટ્રીમોનિયલ સાઇટ પર જાહેરાત આપી હતી. જેમાં ગીરીરાજ શર્મા નામના અમદાવાદના ઘાટલોડિયા સંકલ્પ રૉ હાઉસમાં રહેત વ્યક્તિએ સાથે વાત થઇ હતી. તેણે જણાવ્યું હતું કે તેની પત્ની મરણ પામી છે અને તેના સંતાનો હાલ રાજસ્થાન ખાતે રહે છે. ત્યારબાદ એકબીજા સાથે મુલાકાત થતા ગીરીરાજે પલ્લવી સાથે લગ્ન કરીને આંખની સારવાર કરાવવાની ખાતરી આપી હતી. જેથી 27મી માર્ચ રોજ બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના એક મહિના બાદ પલ્લવીએ ફોન કરીને જણાવ્યું હતું કે ગીરીરાજ તેને માનસિક-શારિરીક ત્રાસ આપે છે અને કહ્યા વિના અનેક દિવસો સુધી બહાર રહે છે. થોડા દિવસો બાદ પલ્લવીને પ્રેગનન્સી રહી હતી. પરંતુ, ગીરીરાજે મિસકેરેજ કરાવી દીધું હતું. બીજી તરફ ઘર ખર્ચના પૈસા ન મળતા પલ્લવીએ નોકરી શરૃ કરી હતી. જો કે ગીરીરાજ પગારના નાણાં લઇ લેતો હતો. ગત 8મી નવેમ્બરના રોજ પલ્લવીએ તેના પિતાના વોટ્સએપ મેસેજ કરીને કહ્યુ હતું કે તેણે ઉંઘની દવાનો ઓવરડોઝ લીધો અને સુસાઇડ નોટ ઓશિકા નીચે રાખી છે. જે પોલીસને આપજો. જેથી ડરી ગયેલા સુરેશભાઇએ ઘાટલોડિયા પોલીસ મથકે ફોન કરતા પોલીસનો સ્ટાફ પલ્લવીના ઘરે પહોંચ્યો હતો. જો કે ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગીરીરાજ શર્મા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.