રાજનેતાઓના પાપે અમદાવાદ હેરીટેજ સિટીનો દરજ્જો ગુમાવશે! જમાલપુરના ધારાસભ્યનો લેટર બોમ્બ
Ahmedabad Heritage City : એલિસબ્રિજના ધારાસભ્યે જમાલપુરમાં 200 કરોડની જમીન ઉપર ગેરકાયદેસર કબાડી માર્કેટ બનાવી દેવાયાના તથા જમાલપુરની મ્યુનિ.શાળા-3-4ની જગ્યામાં ગેરકાયદેસર કોમ્પલેકસ બનાવી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યા પછી જમાલપુર-ખાડીયાના ધારાસભ્યએ ખાડીયામાં તથા કોટ વિસ્તારમાં આવેલા હેરીટેજ મકાનો ભાજપના સ્થાનિક નેતાઓની રહેમનજર હેઠળ તોડી 4થી 5 માળના ફલેટ બનાવી દેવાયા હોવાનો આક્ષેપ કર્યો છે. મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆતમાં જમાલપુરના ધારાસભ્યે મધ્ય ઝોનના રાજકીય નેતાઓના પાપે અમદાવાદ હેરિટેજ સિટીનો દરજજો ગુમાવી બેસશે એવો ઉલ્લેખ કર્યો છે.
જમાલપુરના ધારાસભ્યનો મ્યુ.કમિશનરને પત્ર
અમદાવાદના જમાલપુર વોર્ડને લઈ બે દિવસથી રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. એલિસબ્રિજના ધારાસભ્યે કરેલા આક્ષેપ પછી જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ લેટર બોમ્બ ફોડયો છે. આ ધારાસભ્યે મ્યુનિસિપલ કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં ખાડીયા તેમજ કોટ વિસ્તાર તેમજ મધ્ય ઝોનમાં 2800 જેટલી હેરીટેજ મિલકતો આવેલી હોવાનો ઉલ્લેખ કર્યો છે.
અમદાવાદને વર્ષ-2017માં વૈશ્વિક હેરીટેજ સીટીનો દરજજો યૂનેસ્કો તરફથી આપવામા આવેલો છે. આ દરજજો જે પ્રમાણે ખાડીયા વોર્ડ તેમજ કોટ વિસ્તારમાં આવેલી હેરીટેજ ઈમારતો, મકાનો તોડી પાડીને સ્થાનિક રાજકીય આગેવાનો ફલેટ બનાવી રહયા છે એના કારણે આ ઐતિહાસિક વારસો આપણે આવનારા સમયમાં જાળવી શકીશુ નહીં એવો ભય વ્યકત કર્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ ઇસ્કોન મંદિરના પૂજારીઓના કબજામાં મારી પુત્રી, તેને રોજ ડ્રગ્સ અપાય છે, પિતાનો સનસનીખેજ આરોપ
કયા-કયા હેરિટેજ મકાનો તોડી પડાયા
જમાલપુર-ખાડીયાના ધારાસભ્યએ કરેલા આક્ષેપ મુજબ,સીટી સર્વે નંબર-2220, હવેલીની પોળ,મદન ગોપાળની હવેલી રોડ,ખાડીયા ઉપરાંત ખાડીયામા આવેલી દેસાઈની પોળની અંદર આવેલી બે હવેલી તોડી પાડીને ચાર-ચાર માળના ફલેટ બનાવી દેવામાં આવ્યા છે.જેમાં સુંદરમ ફલેટ તથા અખા સ્મૃતિ ફલેટનો સમાવેશ થાય છે.
મદન ગોપાળ હવેલી રોડ ઉપર બાંધકામ બંધ કરવા નોટિસ અપાઈ છે
મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા 20 સપ્ટેમ્બર-24ના રોજ મદન ગોપાળ હવેલી રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ લેખિત મંજુરી લીધા સિવાય ગ્રાઉન્ડ ફલોરથી થર્ડ ફલોર સુધી બાંધકામ કરવામા આવેલુ હોવાથી બિન પરવાનગીનુ આ બાંધકામ દુર કરવા તથા ચાલુ બાંધકામ બંધ કરવા એસ.બી.બિલ્ડર્સના પ્રોપરાઈટર અમીત ભાલચંદ્ર પરીખ તથા અન્યોને નોટિસ આપવામા આવી છે.
દેસાઈની પોળના ફલેટમાં ભાજપના વોર્ડ પ્રમુખ રહે છે
ખાડીયામાં સૌથી વઘુ હેરીટેજ મિલકત દેસાઈની પોળમાં આવેલી છે.આ પોળમાં બિલ્ડર દ્વારા ફલેટ પ્રકારનુ બાંધકામ કરવામા આવ્યુ છે.આ ફલેટમાં વોર્ડ ભાજપના પ્રમુખ પણ રહેતા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.