અમદાવાદમાં રામનવમીની શોભાયાત્રામાં VHP કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, પોસ્ટરના કારણે થયો વિવાદ
Ahmedabad VHP Clash with Police: અમદાવાદમાં રામનવમીના અવસરે રવિવારે (6 એપ્રિલ) બાપુનગર વિસ્તારમાં VHP (વિશ્વ હિન્દુ પરિષદ) દ્વારા આયોજિત શોભાયાત્રા દરમિયાન 'લવ જેહાદ' થીમ પર પોસ્ટર સાથેની રેલીનો વાંધો ઉઠાવતા વિવાદ થયો હતો. પોલીસે વિવાદાસ્પદ થીમ પર સરઘસને આગળ વધવાની પરવાનગી આપવાનો ઈનકાર કરતાં વિવાદ વકર્યો હતો.
VHP કાર્યકરોએ કર્યો રસ્તો ચક્કાજામ
VHP કાર્યકરોએ નિકોલ વિસ્તારમાં આ વિવાદને લઈને રસ્તો રોક્યો હતો. કાર્યકરોએ વિરોધ માટે રસ્તા પર બેસી ગયા અને નાકાંબધી કરવા લાગ્યા હતાં. જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતાં. જેના કારણે વ્યવસ્થાના ભાગ રૂપે વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓ સાથે કર્યો વિવાદ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શોભા યાત્રા બાપુનગર વિસ્તારમાં આયોજિત ધાર્મિક સરઘસનો એક ભાગ હતી. વિવાદાસ્પદ 'લવ જેહાદ' થીમ પર કેન્દ્રિત ઝાંખીનો લઈ જવાનો ઈનકાર કરતાં VHP કાર્યકરોએ પોલીસ અધિકારીઓ સાથે વિવાદ કર્યો હતો.
પોલીસના હસ્તક્ષેપના જવાબમાં, VHP કાર્યકરો વિરોધ પ્રદર્શન પર બેઠા અને રસ્તા પર ચક્કાજામ શરૂ કર્યો અને યાત્રાને તેના મૂળ સ્વરૂપમાં આગળ વધવા દેવાની માંગણી કરી હતી. સંગઠનના ઘણાં નેતાઓ સ્થળ પર પોલીસ અધિકારીઓ સાથે વાટાઘાટો કરતા જોવા મળ્યા. જોકે, પોલીસ સાથેના આ ઘર્ષણમાં કોઈ હિંસાની ઘટના નોંધાઈ નથી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બાબત પર નજીકથી નજર રાખી રહ્યા છે અને પરિસ્થિતિ વણસે નહીં તે મુદ્દે ધ્યાન રાખી રહ્યા છે.