Get The App

મા કાર્ડનો લાભ ખાટવા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે દર્દીઓને પૂછ્યા વિના જ સ્ટેન્ટ મૂકી દીધા, બેના મોત

Updated: Nov 12th, 2024


Google News
Google News
મા કાર્ડનો લાભ ખાટવા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે દર્દીઓને પૂછ્યા વિના જ સ્ટેન્ટ મૂકી દીધા, બેના મોત 1 - image


Ahmedabad News: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં તબીબોની મા કાર્ડનો લાભ ખાટી લેવાની લાલચને પગલે કડીના બે દર્દીના મોત નિપજ્યા છે, જ્યારે પાંચ લોકો ગંભીર છે. તેમના પરિવારજનોનો આરોપ છે કે, તબીબોએ ખોટી રીતે દર્દીઓને દાખલ કરી ઓપરેશન કર્યું હતું. એટલું જ નહીં, આ દરમિયાન તબીબોએ પરિવારજનોને પૂછ્યા વિના જ સ્ટેન્ટ પણ મૂકી દીધા હતા, જેથી બે દર્દીના મોત નિપજ્યા છે.   

શું હતી સમગ્ર ઘટના?

કડીમાં બોરીસણા ગામે ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યા છે. આ સિવાય અન્ય પાંચ દર્દીની હાલત ગંભીર છે.  


મા કાર્ડનો લાભ ખાટવાનો પરિવારજનોનો આરોપ

પરિવારજનોનો આરોપ લગાવ્યો છે કે, હોસ્પિટલને મા કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે બે દર્દીના મોત થયા છે. બે દર્દીના મોત પછી પરિવારજનો સખત રોષે ભરાયા હતા અને તેમણે  હોસ્પિટલમાં તોડફોડ કરીને વિરોધ કર્યો હતો.

આ દર્દીઓને કેમ્પમાંથી હોસ્પિટલ સારવાર માટે બોલાવવામાં આવ્યા હતાં. 

મા કાર્ડનો લાભ ખાટવા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે દર્દીઓને પૂછ્યા વિના જ સ્ટેન્ટ મૂકી દીધા, બેના મોત 2 - image

આરોગ્ય મંત્રીએ આપ્યા તપાસના આદેશ

આ વિશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ X પર પોસ્ટ કરી તપાસના આદેશ આપ્યા છે. ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું છે કે 'અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. PMJAY-મા યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (SAFU)ને  સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં તબીબી બેદરકારી સાબિત થશે, તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’


આરોગ્ય વિભાગના અધિકારી પહોંચ્યા હોસ્પિટલ

આ સમાચારો વહેતા થયા પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકી ખ્યાતિ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જો કે, હોસ્પિટલમાં 11 નવેમ્બરની સાંજથી જ કોઈ જવાબદાર ડૉક્ટર હાજર નથી. હોસ્પિટલના ડિરેક્ટર અને ચેરમેન સહિતના લોકો પણ ગેરહાજર છે. માત્ર એક જ ડૉક્ટર ICU માં હાજર છે, જેથી આ મુદ્દે વધુ પૂછપરછ થઈ શકી નથી. 

આ હોસ્પિટલનો ટ્રેક રેકોર્ડ ખરાબ હોવાનો દાવો  

નોંધનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં આવું કૌભાંડ બહાર પહેલીવાર બહાર નથી આવ્યું. વર્ષ 2022માં પણ આ પ્રકારનું કૌભાંડ થયું હોવાનો કહેવાય છે. બે વર્ષ પહેલાં સાણંદના તેલાવ ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરાયું હતું. ત્યારે પણ આ પ્રકારે દર્દીઓને હોસ્પિટલ બોલાવી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં અને ત્રણ દર્દીના સારવાર દરમિયાન મોત થયાં હતાં. જેમાં દર્દીના પરિવારજનોએ આવો જ આરોપ મૂકી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

નોંધનીય છે કે, આવી ફરી એક ઘટના પછી આરોગ્ય તંત્રે દર્દીઓને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું છે. જો કે, સત્ય હકીકત શું છે અને દર્દીના મોતનું કારણ તો તપાસ બાદ જ સામે આવશે.


Tags :
AhmedabadGujarat-News

Google News
Google News