12મું ફેલ અમદાવાદની વિદ્યાર્થિનીને NEET-UGમાં 705 માર્ક, રાજ્યના ટોપર્સમાં પણ સામેલ
NEET-UG Result 2024: NEET-UG 2024નું પરિણામ 20મી જુલાઈએ જાહેર થયું હતું. આ દરમિયાન અમદાવાદની એક વિદ્યાર્થિની ચર્ચમાં આવી છે. જેને NEET-UG પરીક્ષામાં 720માંથી 705 ગુણ મળ્યા છે. રસપ્રદ વાત એ છે કે, આ વિદ્યાર્થિની ધોરણ 12માં નાપાસ થઈ હતી. તેની માર્કશીટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં બંને માર્કશીટ વચ્ચે આટલો તફાવત જોઈને દરેકને આશ્ચર્ય થયું છે.
જાણો શું છે સમગ્ર મામલો
અહેવાલો અનુસાર, વિદ્યાર્થિનીની વાયરલ થઈ રહેલી ધોરણ 12માં માર્કશીટ તેને ભૌતિક શાસ્ત્રમાં 21 ગુણ, રસાયણ શાસ્ત્ર 31 ગુણ અને જીવ વિજ્ઞાનમાં 39 ગુણ મળ્યા હતા. જ્યારે અંગ્રેજીમાં માત્ર 59 ગુણ મળ્યા છે. તેને 700માંથી કુલ 352 ગુણ મેળવતા નાપાસ થઈ હતી. વિદ્યાર્થિનીએ ધોરણ 11 અને 12મા કોચિંગ સેન્ટરમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તે માત્ર ડમી સ્ટુડન્ટ તરીકે જ સ્કૂલમાં નોંધણી થઈ હતી.
આ પણ વાંચો: NEET UGમાં રાજકોટના એક જ પરીક્ષા કેન્દ્રના 12 વિદ્યાર્થીના 700થી વધારે માર્કથી અનેક તર્કવિતર્ક
NEET-UG પરિણામ જાહેર થયું ત્યારે સ્કૂલના અધિકારીઓ એ જાણીને ચોંકી ગયા કે 705 ગુણ મેળવનાર વિદ્યાર્થીને રાજ્યના ટોપર્સમાં સ્થાન મળ્યું છે. તેણીનો NEET સ્કોર ભૌતિક શાસ્ત્રમાં 99.8 ટકા, રસાયણ શાસ્ત્રમાં 99.1 ટકા અને જીવ વિજ્ઞાનમાં 99.1 ટકા હતો. આ ગુણ મેળવવાથી મેડિકલ કોલેજનો રસ્તો સાફ થઈ જાય છે. પરંતુ 12માં નાપાસ થવાને કારણે વિદ્યાર્થી મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે યોગ્યતાના માપદંડોને પૂર્ણ કરી શકશે નહીં. આ માટે ધોરણ 12મા ઓછામાં ઓછા 50 ટાકા હોવા જરૂરી છે.
રાજકોટના એક જ પરીક્ષા કેન્દ્રના 12 વિદ્યાર્થીના 700થી વધારે ગુણ
ઉલ્લેખનીય છે કે, નીટ યુજી 2024નું પરિણામ જાહેર થયા બાદ ફરીથી એક વખત ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ વખતે રાજકોટના એક જ સેન્ટર પરથી 12 વિદ્યાર્થીઓને 700થી વધારે ગુણ આવ્યા છે અને સિકર સેન્ટર પરથી 8 વિદ્યાર્થીઓને 700થી વધારે ગુણ મળ્યા છે. આ આંકડા નવાઈ લાગે એવા એટલા માટે છે કારણ કે ભારતમાં મેડિકલ પ્રવેશ માટેની આ પરીક્ષા સૌથી અઘરી પૈકીની એક પરીક્ષા માનવામાં આવે છે.
સામાન્ય રીતે કોઈ એક કેન્દ્ર પરથી વધી વધીને બે કે ત્રણ પરીક્ષાર્થીઓ જ 700થી વધારે માર્કસ લાવી શકે છે. પરંતુ જો આટલા બધા વિદ્યાર્થીઓને એકસાથે આટલા વધારે માર્ક આવે તો શંકા જાગે. અને શંકા જાગે એ પણ વ્યાજબી એટલા માટે છે કે છેલ્લા કેટલાક સમયમાં NTA પર અને આ પરીક્ષામાં પેપર લીક જેવી ઘટનાઓના કારણે સમગ્ર માળખા પર પ્રશ્નો ઊભા થઈ ચૂક્યા છે.