Get The App

કોટામાં NEETની તૈયારી કરતી અમદાવાદની વિદ્યાર્થિનીનો આપઘાત, 22 દિવસમાં 5મી ઘટના

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
કોટામાં NEETની તૈયારી કરતી અમદાવાદની વિદ્યાર્થિનીનો આપઘાત, 22 દિવસમાં 5મી ઘટના 1 - image


Ahmedabad girl died in Kota: રાજસ્થાનના કોટામાં બુધવારે અમદાવાદની એક યુવતીએ આપઘાત કરી લીધો છે. તે કોટાના જવાહર નગરમાં રહીને NEETની તૈયારી કરતી હતી. આ જાણકારી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

કોણ છે પીડિતા? 

કોટાના જવાહર નગર પોલીસ સ્ટેશનની હદમાં પીજીમાં રહેતી અફસા શેખએ તેના રૂમમાં જ ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું. તે અમદાવાદની રહેવાસી હતી અને 6 મહિના અગાઉ નીટની તૈયારી કરવા કોટા પહોંચી હતી. જો કે તેણે આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે તેનો મૃતદેહ કબજે લઈને પરિજનોને જાણકારી આપી છે.

આ યુવતીના મકાન માલિકના ભાઈ મહેન્દ્ર નાગરે જણાવ્યું હતું કે ઘટનાની જાણકારી સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ મળી હતી, જ્યારે મેસનો મેનેજર રૂમમાં ગયો, તો વિદ્યાર્થિની ઉઠી ન હતી. ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી. ઘટનાની માહિતી મળતાં જવાહર નગર પોલીસ પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરી છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને પરિવારજનોને જાણ કરવામાં આવી છે. 

પોલીસ અધિકારી રામ લક્ષ્મણ ગુર્જરે જણાવ્યું હતું કે પરિવારજનોના પહોંચ્યા બાદ પોસ્ટમોર્ટમ તથા આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ ઘટના પાછળ શું કારણ છે તે સામે આવ્યું નથી? આ અંગે તપાસ કરવામાં આવશે. 

મહેન્દ્ર નાગરના જણાવ્યાનુસાર, ધો. 12 બાદ તે કોચિંગ ક્લાસમાં તૈયારી કરી રહી હતી. તે ગત પાંચ મહિનાથી તેના ભાઇના મકાનમાં પીજી તરીકે રહેતી હતી. મંગળવારે રાત્રે યુવતી બાળકો સાથે નીચે મોડા સુધી રમતી હતી. તે ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી અને બાળકોને ચોકલેટ પણ ખવડાવી હતી. 

22 દિવસમાં આપઘાતના 5 બનાવ 

કોટામાં ભવિષ્યને સુંદર બનાવવાના સપનાં સાથે આવતા વિદ્યાર્થીઓ પર માનસિક તણાવ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. 2025ની શરૂઆતના 22 દિવસમાં જ આપઘાતની આ પાંચમી ઘટના છે. જેને લઈને હવે તંત્રની ચિંતા વધી ગઇ છે. વિદ્યાર્થીઓના આપઘાત પાછળ માનસિક તણાવનું કારણ સામે આવી રહ્યું છે. જ્યારે જે રૂમમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે તેમાં પંખા પર હેંગિંગ ડિવાઈસ પણ લગાવેલું નથી.


Google NewsGoogle News