Get The App

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં વેપારીઓ રાતા પાણીએ રડ્યા, 3500ના ભાડા સામે માંડ 100નો ધંધો, 70% સ્ટોલ બંધ

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં વેપારીઓ રાતા પાણીએ રડ્યા, 3500ના ભાડા સામે માંડ 100નો ધંધો, 70% સ્ટોલ બંધ 1 - image


Ahmedabad Shopping Festivals: રાજ્ય સરકાર દ્વારા અમદાવાદીઓને ખરીદી માટે આકર્ષવા મોટા ઉપાડે શરુ કરાયેલા શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો થયો છે. કુલ 18 વિસ્તારમાં અંદાજે રૂ. 16 કરોડથી વધુના ખર્ચે ઊભા કરવામાં આવેલા શોપિંગ ફેસ્ટિવલની ઝાકમઝોળ મોંઘવારી અને ઘરાકીના અભાવે ઝાંખી પડી છે.

ઊંચા ભાડા અને મોંઘી વસ્તુઓથી સૌ કોઈ નિરાશ

અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે સંયુક્તપણે અમદાવાદના જુદા-જુદા 18 સ્થળોએ 95 દિવસ માટે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. જેની શરુઆત 12 ઑક્ટોબરે થઈ હતી. પરંતુ સ્ટોલના ઊંચા ભાડાના કારણે વેપારીઓ અને ચીજવસ્તુઓમાં ડિસ્કાઉન્ટ બાદ પણ ઊંચી કિંમતોના કારણે ગ્રાહકો નિરાશ થયા હતા. 

આમદની અઠ્ઠન્ની ખર્ચા રૂપયા જેવો ઘાટ

સિંધુભવન શોપિંગ ફેસ્ટિવલમાં ભાગ લેનારા એક ફૂડસ્ટોલના વેપારીએ જણાવ્યું હતું કે, ‘એક સ્ટોલ પર એએમસી લગભગ રૂ. 3000-3500 પ્રતિ દિન ભાડું વસૂલી રહી છે. જેની સામે અમારી રોજની સરેરાશ આવક 150-350 છે. ચાલુ દિવસે તો માંડ રૂ. 100નો વકરો થાય છે. અમે ભાડું એડવાન્સમાં ચૂકવી દીધું હોવાથી સ્ટોલ પર કમાણી થવાની રાહમાં ઊભા છીએ. જ્યારે અમારા સાથી વેપારીઓએ સ્ટોલ બંધ કરી દીધા છે.’ મળતી માહિતી પ્રમાણે મોટાભાગના સ્ટોલ ધારકો પાસેથી તંત્રએ એડવાન્સ ત્રણ લાખ રૂપિયા ભાડું લઈ લીધું છે. પરંતુ વેપારીઓને રોજના ભાડા જેટલી કમાણી પણ થતી નથી.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં વેપારીઓ રાતા પાણીએ રડ્યા, 3500ના ભાડા સામે માંડ 100નો ધંધો, 70% સ્ટોલ બંધ 2 - image

આ પણ વાંચોઃ ટ્રમ્પની જીતથી ક્રિપ્ટો માર્કેટમાં મબલક કમાણી, બિટકોઈન ઐતિહાસિક ટોચે, ઈલોનનો ડોજકોઈન 90 ટકા ઉછળ્યો

70થી 80 ટકા સ્ટોલ બંધ

અમદાવાદમાં ટોચના ચાર વિસ્તારો સિંધુભવન, નિકોલ, સી જી રોડ, અને મણિનગરમાં શરુ કરાયેલા આ શોપિંગ ફેસ્ટિવલમાં મોટાભાગના સ્ટોલના પડદાં પડી ગયા છે. સિંધુભવન પર દર 12માંથી 10 સ્ટોલ બંધ થઈ ગયા છે. જ્યારે લો ગાર્ડન પર સાત ફૂડ સ્ટોલમાંથી ચાર ફૂડ સ્ટોલ 20 દિવસમાં જ બંધ થઈ ગયા છે. પૂર્વ વિસ્તારમાં નિકોલ અને મણિનગર ખાતે પણ શોપિંગ ફેસ્ટિવલમાં રજાના દિવસે ભીડ તો જોવા મળે છે, પરંતુ તે ખરીદી માટે નહીં પણ હરવા-ફરવા અને સેલ્ફી ફોટો માટે આવતી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.

દર વર્ષે ઘટે છે વેપારીઓની સંખ્યા

રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા છેલ્લા પાંચ વર્ષથી દિવાળીના તહેવારમાં આ પ્રકારના શોપિંગ ફેસ્ટિવલ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. પરંતુ તેને સારો પ્રતિસાદ મળ્યો નથી. 2019માં જ્યારે આ પ્રકારના શોપિંગ ફેસ્ટિવલની પ્રથા શરુ કરાઈ ત્યારે 17 હજાર વેપારીઓ આ શોપિંગ ફેસ્ટિવલમાં જોડાયા હતા. જેની સંખ્યા વર્ષ 2024માં ઘટીને માત્ર 609 થઈ ગઈ છે. 

સરકાર કરે છે પૈસાનું પાણી

આ વર્ષે ચાર મુખ્ય વિસ્તારો ઉપરાંત 14 નાના-મોટા સ્થળો પર આયોજિત શોપિંગ ફેસ્ટિવલના સ્ટોલ, સ્ટેજ, ગેમઝોન, લાઇટિંગ, ડેકોરેશન પાછળ અંદાજે રૂ. 16 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. જેની સામે વેપારીઓને કમાણી તો નથી થઈ અને સ્ટોલ બંધ થઈ જતાં સરકાર પણ પોતાનો આ ખર્ચો વસૂલી શકશે કે કેમ તે એક મોટો સવાલ છે.

ગુજરાતમાં ફેસ્ટિવલની ભરમાર

રાજ્યમાં કાઇટ ફેસ્ટિવલ, ફ્લાવર શો, શોપિંગ ફેસ્ટિવલ જેવા ઉત્સવો યોજાય છે. આવા આયોજનોથી નાના વેપારીઓને રોજગારી મળશે તેવા દાવા પણ કરવામાં આવે છે. પરંતુ, હકીકતમાં આવું કંઈ ખાસ થતું જોવા નથી મળતું. તેનાથી વિરુદ્ધ આવા ફેસ્ટિવલમાં જઈને લોકોના ખિસ્સા ખાલી થઈ જાય છે, અને રોકાણ કરનાર વેપારીઓનો ખર્ચો પણ નથી નીકળતો, જ્યારે સરકાર ખાલી વાહવાહી લૂંટે છે. તંત્રએ અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલની મોટી મોટી જાહેરાતો કરી હતી, છતાં વેપારીઓને ખાસ કોઈ ફાયદો ના થયો, અને વેપારીઓની દિવાળીની સિઝન પણ બગડી. શહેરીજનોએ પણ ફેસ્ટિવલમાં ખરીદી કરવાને બદલે વિવિધ ડેકોરેશન અને આકર્ષણના ફોટા પડાવવામાં જ વધુ રસ દાખવ્યો.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં વેપારીઓ રાતા પાણીએ રડ્યા, 3500ના ભાડા સામે માંડ 100નો ધંધો, 70% સ્ટોલ બંધ 3 - image


Google NewsGoogle News